60 - સૂર્યનું પગલું મળે નહીં… / રમેશ પારેખ


લહેરે થીજી ગયેલું ઝરણ ખળખળે નહીં
શોધું છું, ક્યાંય સૂર્યનું પગલું મળે નહીં

આવી લચે છે આંખમાં સૂરજઊગ્યાની વેળ
રાત્રિ ઉદાસીઓની છતાં કાં ઢળે નહીં ?

આવા બૂરા દિવસ છે તમારા ગયા પછી
બોલ્યા કરું ને અર્થ કશો નીકળે નહીં

ખોવાયાં છીએ આપણે ક્યાં, કેમ શોધશું ?
અણસારનો દીવો કોઈ રસ્તે બળે નહીં

રસ્તો રૂંધીને પાનખરોની તરસ ઊભી
લીલી ભીનાશ પાનમાં પાછી વળે નહીં

ચીતરેલ વ્રુક્ષ જેવી મળી છે સભાનતા
ખરતું નથી કશું ય કે કંઈ પણ ફળે નહીં

સૌ પંખીઓ વળી ગયાં પોતાનાં નીડ ભણી
મારી ઉદાસ સાંજને માળો મળે નહીં

પથ્થરની મૂર્તિ એટલા માટે મૂકી હશે
કે કોઈ બંદગી એ કદી સાંભળે નહીં.


0 comments


Leave comment