25 - દાદા હો દીકરી…. / રમેશ પારેખ


દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ
વાગડમાં સાસરની શેરીયું સાંકડી રે સૈયર મોરી

પાદર પરોઢ અમે પાણી ભરવા જઈએ રે સૈ
સીંચણ નાનું : પાણી પતાળ જઈ ઊતર્યા રે સૈયર મોરી

સૂરજ ઢળે ને અમે ખાલીખમ ઘેર વળીએ રે સૈ
અંગૂઠે ચટકે શેરીની સાંકડ્યું રે સૈયર મોરી

રુંવેરુંવે તે એનાં ભમ્મરિયાં ઝેર ચડતા રે સૈ
આંખ્ખુંની ઓઝવાતી પારસપૂતળી રે સૈયર મોરી

ઘરના ઓટા તે મારે ડુંગર થઈને ડોલે રે સૈ
ઉંબરામાં પગ દેતાં હું સોનબાઈ ભાંગી પડે રે સૈયર મોરી

માંગ્યો મળે ન મને શમણાંનો સધિયારો રે સૈ
વણમાગી રાત્યુંનાં ટોળા ઊતરે રે સૈયર મોરી

ઊડતાં પંખીડા, મારા દાદાજીને કહેજો રે સૈ
વાગડની વહુવારુને નીંદર દોયલી રે સૈયર મોરી

સમરથ હો દાદા મારી એટલડી આશ પૂરો રે સૈ
પાંપણનો પડછાંયોક નીંદર મોકલી રે સૈયર મોરી.


0 comments


Leave comment