21 - વણબોલાતી વાત…. / રમેશ પારેખ


અંધારાની ભોંય ભીંજવતી કલકલ વહેતી રાત
ઉપરવાસથી તરતી આવે વણબોલાતી વાત

વ્રુક્ષો પર ઢોળાતા નભના
છાંયે જંગલ જંપ્યા
ખૂલ્યાં ગંધનાં નેણ, હવાનાં
ઝાંઝર કૈં જ્યાં કંપ્યાં

ચાંદરણાંનું રેશમ ફરકે અણસારની ભાત
અંધારાની ભોંય ભીંજવતી કલકલ વહેતી રાત

પગરવની કૈં તરસ થઈને
સૂની કેડી ફરતી
ખરબચડા આકારો વચ્ચે
નરી શૂન્યતા ખરતી

દીવાની શગ ફરતાં લેતું ચકરાવા એકાંત
અંધારાની ભોંય ભીંજવતી કલકલ વહેતી રાત.


0 comments


Leave comment