79 - તમે ઘેર આવ્યાં ને, સોનલ…/ રમેશ પારેખ
તમે ઘેર આવ્યાં ને, સોનલ...
ફળિયે બેઠાં પથ્થરના પંખીને
નીલું પિચ્છ અચાનક ફૂટે
પિચ્છ તળે કુમળો પડછાયો કંપે
તોરણમાં ફરફરતો લીલો પર્ણોનો કલશોર
ફળિયામાં ચકલીના સ્વરની શ્વેત મંજરી મ્હોરે
ઝલમલ ઝલમલ ઝૂલચાકળા ભીંતે / ભીંતે ફળિયું
ફળિયે તમે ઘેર આવ્યાનો અવસર ઝલમલ ઝલમલ
હળુ હળુ પગ માંડો, સોનલ....
ઊજાગરાની ઓકળીએ ખરબચડી ઘરની ભોંય
અને આ ચરણ તમારાં પારિજાતનાં ફૂલ
ફૂલની પગલી પાડો
હરિયાળી સાંઢણીઓ સઘળી
રેત ખૂંદતી લફલફ વેગે
આંખ તળેથી સરી ગઈ
ગઢઘોડાર્યુંમાં
નરી શૂન્યતા હાવળ્ય દેતી ઊભી / ઊભી ખરી પછાડે
હુક્કામાંથી નેળ છલકતો કેફ હવે ના ગગડે
મારી સો સો પેઢી સૂરજવંશની
ઘૂંટી ખરલમાં ઘટકાવી જઈ
બુલંદ તરસો સૂરજગઢની રંગ ચીસતી બેઠી
મારી હથેળીઓમાં હળ ચાલ્યાં
ને પીળાં જંગલ ચાસચાસમાં મ્હોર્યા
મારી અવરજવરને કેટકેટલા દેશવટાના શાપ
મારી કિનખાબી મોજડીઓમાં
કૈં વંધ્ય કેટલી અવરજવરનાં પાપ
મારી રોમ રોમ ઊઘડી આંખોના મોર કેડીએ વેરું
મારી ચીંદરડીમાં ચપટી ચપટી દશે દિશાની ખેપ
ખેપમાં ગામ
ગામમાં મરી ગયેલી રૈયતનાં શબ રઝળે
એવા અવાવરુને ખૂણેખાંચરે ક્યાંક સાચવે મને
હાકલે કદી કસુંબે આંખ પડેલો ધ્રાંગો
એવા અવાવરુને ખૂણેખાંચરે ક્યાંક સાચવે મને
સમરમાં તેગ કદી લપકેલો તાતો પાણીદાર ઘેંકાર
તમે ઘેર આવ્યાં ને, સોનલ...
ઝાંખાપાંખા કંકુના થાપામાં ઊઘડી
ચણોઠીઓની લૂમ
ગાતડી તડાક દઈને એકસામટી તૂટે
સોનલ, હળુ હળુ પગ માંડો....
તમને અગણિત આંખોની અંજલિએ
એકસામટાં પીઉં
દરિયા એકસામટાં પીઉં
તમને સાગ – ઢોલિયા ઢાળી આપું
અવાવરુ છોબંધ ઓરડા ઢાળી આપું
અણોસરા પાંપણ પડછાયા ઢાળી આપું
હળુ હળુ પગ માંડો, સોનલ...
ફંગોળીને હાલરહિંચકે ઠેસ / કડામાં ખટક દઈને ખટકાવી
ચોપાટ-સોગઠે માઝમરાત્યું ગાંડી કરીએ
ખંડ દીવડે ઝડભડ બળતી માઝમરાત્યું રાણી કરીએ
કર્ણ મૂળમાં કાંઈ છાનકાં અંધારાઓ ઢોળી દઈએ
કાળીકંજર રાત પાંખમાં ભરી, અડોઅડ
ભડભડ બળતા સૂરજગઢની પાર ઊડતાં જઈએ.
ફળિયે બેઠાં પથ્થરના પંખીને
નીલું પિચ્છ અચાનક ફૂટે
પિચ્છ તળે કુમળો પડછાયો કંપે
તોરણમાં ફરફરતો લીલો પર્ણોનો કલશોર
ફળિયામાં ચકલીના સ્વરની શ્વેત મંજરી મ્હોરે
ઝલમલ ઝલમલ ઝૂલચાકળા ભીંતે / ભીંતે ફળિયું
ફળિયે તમે ઘેર આવ્યાનો અવસર ઝલમલ ઝલમલ
હળુ હળુ પગ માંડો, સોનલ....
ઊજાગરાની ઓકળીએ ખરબચડી ઘરની ભોંય
અને આ ચરણ તમારાં પારિજાતનાં ફૂલ
ફૂલની પગલી પાડો
હરિયાળી સાંઢણીઓ સઘળી
રેત ખૂંદતી લફલફ વેગે
આંખ તળેથી સરી ગઈ
ગઢઘોડાર્યુંમાં
નરી શૂન્યતા હાવળ્ય દેતી ઊભી / ઊભી ખરી પછાડે
હુક્કામાંથી નેળ છલકતો કેફ હવે ના ગગડે
મારી સો સો પેઢી સૂરજવંશની
ઘૂંટી ખરલમાં ઘટકાવી જઈ
બુલંદ તરસો સૂરજગઢની રંગ ચીસતી બેઠી
મારી હથેળીઓમાં હળ ચાલ્યાં
ને પીળાં જંગલ ચાસચાસમાં મ્હોર્યા
મારી અવરજવરને કેટકેટલા દેશવટાના શાપ
મારી કિનખાબી મોજડીઓમાં
કૈં વંધ્ય કેટલી અવરજવરનાં પાપ
મારી રોમ રોમ ઊઘડી આંખોના મોર કેડીએ વેરું
મારી ચીંદરડીમાં ચપટી ચપટી દશે દિશાની ખેપ
ખેપમાં ગામ
ગામમાં મરી ગયેલી રૈયતનાં શબ રઝળે
એવા અવાવરુને ખૂણેખાંચરે ક્યાંક સાચવે મને
હાકલે કદી કસુંબે આંખ પડેલો ધ્રાંગો
એવા અવાવરુને ખૂણેખાંચરે ક્યાંક સાચવે મને
સમરમાં તેગ કદી લપકેલો તાતો પાણીદાર ઘેંકાર
તમે ઘેર આવ્યાં ને, સોનલ...
ઝાંખાપાંખા કંકુના થાપામાં ઊઘડી
ચણોઠીઓની લૂમ
ગાતડી તડાક દઈને એકસામટી તૂટે
સોનલ, હળુ હળુ પગ માંડો....
તમને અગણિત આંખોની અંજલિએ
એકસામટાં પીઉં
દરિયા એકસામટાં પીઉં
તમને સાગ – ઢોલિયા ઢાળી આપું
અવાવરુ છોબંધ ઓરડા ઢાળી આપું
અણોસરા પાંપણ પડછાયા ઢાળી આપું
હળુ હળુ પગ માંડો, સોનલ...
ફંગોળીને હાલરહિંચકે ઠેસ / કડામાં ખટક દઈને ખટકાવી
ચોપાટ-સોગઠે માઝમરાત્યું ગાંડી કરીએ
ખંડ દીવડે ઝડભડ બળતી માઝમરાત્યું રાણી કરીએ
કર્ણ મૂળમાં કાંઈ છાનકાં અંધારાઓ ઢોળી દઈએ
કાળીકંજર રાત પાંખમાં ભરી, અડોઅડ
ભડભડ બળતા સૂરજગઢની પાર ઊડતાં જઈએ.
0 comments
Leave comment