86 - પરપોટો… / રમેશ પારેખ


પાણી વચ્ચે – પરપોટો
એકલદોકલ – પરપોટો
જંતરમંતર – પરપોટો
પરપોટામાં તળાવ ઝૂલે – પરપોટો
પરપોટામાં સવાર ખૂલે – પરપોટો
નાગુંપુગું આભ ઊતરી નાહતું એમાં – પરપોટો

પરપોટામાં બેઠાં બેઠાં
મૂંગા મૂંગા કાળા પહાડો
( પડછાયાની પેથી ખોલી
ઊંઘ ભરેલી આંખો માંડી
ઝોલાં ખાતાં પઢે પુરાણો ) – પરપોટો

તડકા સાથે તાળી લેતું
અંધારાના કૂકા વીણતું
પવનડાળ પર હીંચકા ખાતું
ઝરણે ઝરણે ડૂબકી જાતું
ઘેઘૂર લીલું વન –
આવીને પરપોટાની પીઠે વળગ્યું – પરપોટો

પાંખ બીડીને પંખી બેઠું – પરપોટો
ટૌકાઓનાં ફૂલો ગૂંથ્યાં – પરપોટો
પાંખ વીંઝતું ફડફડ ઊડ્યું – પરપોટો

ફડફડ ફડફડ – પરપોટો
એકલદોકલ – પરપોટો
જંતરમંતર – પરપોટો.


0 comments


Leave comment