16 - સીમાડો સાવ લીલો નાઘેર….. / રમેશ પારેખ


બપૈયા મોર સૂડા કાબર લેલાં તેતર મેનાની ગ્હેકને
લીલું કાચ ચોમાસું વેળનું ચડ્યું ઝેર
હં વાલમ, હાલ્ય સીમાડો સાવ લીલો નાઘેર
પાદરે ઊભા પરદાદાના પાળિયે મૂકી ઘરની રે મરજાદ
ભીડીને આંકડા જાશું
ચાતરી ચીલા ખૂંદશું ખેતરે મોકળે મેદાન મન ફાવે તેમ
મન વેરીને લાવણી ગાશું

મારગે હેલી વરસ્યે લેશું એકબીજાની સોળ ને ભેળાં પલળી જાશું ફેર
હંઅઅ વાલમ, હાલ્ય સીમાડો સાવ લીલો નાઘેર

એયને વાલમ, ઠેસ ચડે ના લીલવછોયું પાન
આઘેરાં નદીયુંનાળાં ઠેકતાં જાશું
ખાઈ ફંગોળી ડુંગરે, ડુંગર ખાઈમાં, ખેતર ગામ કે પાદર
જમણે ડાબે ફેંકતાં જાશું

વાયરે ગળાડૂબ સેલારા મારતાં જાશું : સોંસરે પારે સરકે જેવી સેર
હંઅઅ વાલમ, હાલ્ય સીમાડો સાવ લીલો નાઘેર.


0 comments


Leave comment