14 - સોનલ, સોનલ, ચાલો હવે જઈએ આપણે ઘેર / રમેશ પારેખ


સોનલ, સોનલ, ચાલો હવે જઈએ આપણે ઘેર.....
ક્યાંક ભૂખરું તો ક્યાંક રાતું
ઝાડી ઝાંખરામાં ધૂંધવાતું
સમી– સાંજ ટાણું સૂસવાતું
અને ઢુંકડું નથી શ્હેર....
સોનલ, સોનલ, ચાલો હવે જઈએ આપણે ઘેર.....

ફાંટમાં વીણ્યાં બોરનો લાગે લાલ ને લીલો ભાર
પગમાં નીહળ ડુંગરા હાલ્યા આવતા હારોહાર
કેડીએ કેડીએ લોઢ ઉછાળે પૂર-શાં ભમ્મર તાણ
કેમ કંઠારે પ્હોંચશે સોનલ, ઘુમ્મરી ખાતું વહાણ

અહીંથી ચાલી આપણે પાછાં આવતાં અહીં ફેર......

કોઈ દીવે કોઈ તબકે નહીં આંખમાં આઘો વાસ
એકલ એકલ બેઉ, અડોઅડ આમ તો ભીડ્યે શ્વાસ
ટેરવે હુંફાળું મળતાં અને તો ય ન મેળા થાય
વચમાં સમીસાંજ વેળાની ઘુઘવ્યા કરે ખાઈ

આજ તો જાણે આભની સોતો ઊતર્યો સૂરજ મેર.....


0 comments


Leave comment