37 - નથી ઊતરતાં તાણ, મારા વાલમા… / રમેશ પારેખ


ચોમાસું પૂર ગયાં ઊતરી ને તો ય નથી ઊતરતાં તાણ, મારા વાલમા
ટીંબે ને ટેકરીએ દડદડતાં જોઉં
એન લીલાતંબોળ કાંઈ ઢાળને
સાચું પડતા ય નથી આવડતું તો ય
મારે શમણે આવેલ એક ડાળને

ઊગવું ન હોય એવા સૂરજનાં ઝળહળતાં આવે ઓસાણ, મારા વાલમા
ચોમાસું પૂર ગયાં ઊતરી ને તો ય નથી ઊતરતાં તાણ, મારા વાલમા

કાંબિયુંને ઝણકારે ઝરડાતી જાઉં
અને પાછી વળું છું સીમ સોંસરી
ભૂલી પડીને ક્યાંક આવી ન હોઉં
એવું તાકે અજાણ્યું મને ઓસરી

પાણીના પાતળાક રેલે થઈ જાય હવે ભમ્મર ધોવાણ, મારા વાલમા
ચોમાસું પૂર ગયાં ઊતરી ને તો ય નથી ઊતરતાં તાણ, મારા વાલમા.


0 comments


Leave comment