4 - સૂરજ વિનાનું સાવ ગામ / રમેશ પારેખ


શમણાં આવેને તો ય કાળાં ડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખું પાંખું ય હવે સૂતાં કે જાગતા સૂઝે નહીં શમણું કે કામ

એવા અણરૂપ અને કેવાં લાગ્યાં કે
કોઈ લીલા રણવાસ આમ વિસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઈ કહેતું તું, - જાળવશું આમ
ઝાંખું પાંખું ય હવે સૂતાં કે જાગતા સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ – શી પીંજાઈ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુઃખને અપાય કાંક નામ
શમણાં આવેને તો ય કાળાં ડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.


0 comments


Leave comment