2.3 - પારેવડાની પડછે પ્રગટતું લોકનારીનું ઉમદા વ્યક્તિત્વ / કોયલ બેઠી આંબલિયાની ડાળ / બળવંત જાની


   પંખીજગતમાં કોઈ ગરીબડું પંખી હોય તો તે પારેવડું ગણાય છે.સદાય ફફડતું,ઢીલું પોચું પંખી પારેવું છે.એટલે ઢીલી છોકરી માટે'પારેવા જેવી' ,ગભરુ બીકણ વ્યક્તિ માટે પણ 'પારેવડા જેવી' એવા વિશેષણો સમાજમાં સંબોધાતા સાંભળવા મળે છે.પારેવું રોજિંદા જીવનમાં જટ નજરે પડતું પણ મનમાં વસી જાય છે એના વ્યવહાર-વર્તણૂકથી.ચકલી,કાબર,કાગડાતો વિપુલ માત્રામાં અને જ્યાં જુઓ ત્યાં નજરે ચડે પણ એમાંથી લોકહૈયે તો વસ્યા પારેવા.એમનું ભોળું-ગભરું વ્યક્તિત્વ સમાજની અનુકંપાને અનુષંગે સમભાવને પાત્ર ઠર્યું છે.

   લોક જે નિત્ય જુએ એમાંથી પુરા વિવેક સાથે,પોતાની અવલોકન અને નિર્ણય શક્તિના બળે એમાથી તારવણી કરીને પોતાની અભિવ્યક્તિમાં એને સ્થાન આપે.લોકની નિરીક્ષણ સમજણ શકિતનું પરિચાયક એ રીતે આ લોકવિદ્યા-લોકસાહિત્ય છે.એ જે કંઈ જુએ છે એનું સીધે સીધુ નિરૂપણ કરવા મંડી પડતા નથી એમાંથી પસંદ કરે છે,તારવે છે,કાંટ છાંટ કરે છે.અને ભાવનું પોતીકું દર્શન ઉમેરે છે.આમ,લોકવિદ્યા એ સમજણ અને વિવેકશક્તિનું ઊજળું ઉદાહરણ છે.

   ધરતીની માટીમાંથી જ જાણે જન્મ્યા હોય એવા વર્ણવાળા,ધરતીનું ધાન-કણ આરોગતા અને ધરતીમાં મળી જતા પારેવા તરફ સમાજને મમતા પ્રગટાવવા ભણતું આ લોકગીત સહજ,સરળ સ્વભાવને વ્યક્તિત્વમાં ભેળવવાનું સુચવી જાય છે.
પાળે પાળે ઘૂમે ,પારેવડાં પારેવા લ્યો,
મઢીએ ઘૂમે મોર,માનાં જન્મ્યાં પારેવા લ્યો...૧ 

અસલ ધાન આરોગતા પારેવા લ્યો,
ભૂખ્યાં કાંકર ખાય,માનાં જન્મ્યાં પારેવા લ્યો...૨ 

બેનીબાએ બોલાવ્યાં,પારેવા લ્યો
તીતી તીતી બોલે,માનાં જન્મ્યાં પારેવા લ્યો...૩ 

આંગણિયે પગ માંડતા,પારેવા લ્યો,
ધૂળમાં ગૂંથે ફૂલ,માંનાં જન્મ્યાં પારેવા લ્યો...૪ 

ઘેરું ઘેરું કાંઈ ઘૂઘવે,પારેવા લ્યો,
ફુલાવે લીલી ડોક,માંના જન્મ્યાં પારેવા લ્યો...૫ 

પાંચ ધોળા પાંચ વાદળી,પારેવા લ્યો,
આંખડી રાતીચોળ,માનાં જન્મ્યાં પારેવા લ્યો...૬ 

ઝીણી ઝીણી ચાર ઝાંઝરી,પારેવા લ્યો,
ઘુઘરીયાળી ઘડાવો જોડ,માંનાં જન્મ્યાં પારેવાં લ્યો...૭ 

જોડલું જુદું થાય નહિ,પારેવા લ્યો.
રોજ પારેવડી સંગ,માંના જન્મ્યાં પારેવાં લ્યો...૮ 

આભને આરે ઉડતા,પારેવા લ્યો,
પોઢતા ધરતીમાંય,માંના જન્મ્યાં પારેવાં લ્યો...૯ 
   નદીની,સરોવરની કે વાડી-ખેતરની પાળે-પાળે ઘુમતા પારેવાનું શબ્દચિત્ર અહીં અંકાયું છે.અસલ-મૂળ ધાન્ય એટલે જુવાર-રુપી ચણને આરોગતા અને કાંઈ ન મળે તો ઝીણી-ઝીણી સફેદ-ભુખરી કાંકરીઓ આરોગીને પોતાનું પેટ ભરતા પારેવા આંગણે પગ પાડે ત્યારે એની ત્રણપાંખડી જેવી પગલીઓથી ધૂળમાં ફુલગુંથણીની રમણીય આકૃતિ રચાય છે એવું આલેખન પણ છે.લોકદ્રષ્ટિ કેવી વિદગ્ધ અને કેવી ઝીણી છે એને તો પંખીના પગલામાં રૂપાળી ભાત્ય ઉપસતી જોવા મળે છે.એની રાતી ચટક આંખડી,એની ઘુઘવટા કરતી ફુલેલી ડોક, એનો ઘુઘવાટ,એનો મનને હરી લેતો આછો વાદળી રંગ-ધોળો રંગ અહીં વર્ણવાયો છે.

   આ પારેવડાનું મોહક વ્યક્તિત્વ વધુ ચાહક લાગે છે.અખંડ રીતે પારેવડી સાથે જ ફરતું રહ્યાના સ્વભાવને કારણે.પારેવું-પારેવીથી જુદું થાય નહિ એ વધારે મહત્વનું છે.રોજીંદી જીવનમાળમાં સવારથી સાંજ સુધી ઘરકામમાં વ્યસ્ત રહેતી કે ચાકરીએ ગયેલા પતિની રાહ જોતી યુવતીને વધુ ભાગ્યશાળી આ કારણે પારેવડા લાગે છે. કારણ કે તેઓ બડભાગી છે કે સાથે રહી શકે છે. નારીચિત્તના અભાવને ભરી દેતો ભાવ પારેવડાંમાં નિહાળીને એના ગીત ગાતી લોકનારી એ રીતે વિચક્ષણ અને વિલક્ષણ છે.એ ઈર્ષ્યા અનુભવવાને બદલે આનંદ અનુભવે છે. એના બૃહદ ભાવપૂર્ણ વ્યક્તિત્વનું પરિચાયક આ લોકગીત છે.લોકનારીના ચિત્તને વાચા આપતું આ લોકગીત છે.
  
   કોઈને કંઈ જ કહી ન શકતી કે ક્યાંય ન જઈ શકતી નારીને આભમાં અનિબર્ધપણે ઊડતા પારેવા ખૂબ ગમે છે.પોતે નથી જઈ શકતી નથી કહી શકતી નથી એમાં પારેવા એના પ્રેમનું ભજન બને છે.લોકગીતના ડીપ સ્ટ્રકચરમાંથી પડઘાતા આવા ભાવો,હકીકતે લોકસંસ્કૃતિના દ્યોતક હોય છે.લોકગીતની પંક્તિઓમાં સીધે સીધું ન કળાતું આ ગૂઢ સૌંદર્યતો લોકમાનસની પડછે જ જોઈ શકાય.આ માટે લોકદ્રષ્ટિ કેળવવી પડે.તો જ લોકગીતનો ખરો મહિમા,મૂળભાવ અને અર્થસભર સામગ્રીથી આદ્ર થવાય.આપણને આમ ભાવથી ભીંજવી જતું આ લોકગીત આવા બધા કારણે સૌંદર્યાનુભવ કરાવે છે.
(ક્રમશ:...)


0 comments


Leave comment