54 - એક સૂરજના અવસાન પછી… / રમેશ પારેખ


રઝળપાટો કરીને કેડીઓ થાકી ગઈ છે
જઈને ઝાડ નીચે સોડિયું વાળી ગઈ છે

ઊભા છે ડાઘુઓ-શાં ઝાડ સૌ ગમગીન મોંએ
ક્ષિતિજો મુર્દા થઈને ડોક લટકાવી ગઈ છે

ખરેલાં પાનમાં ખખડી ઊઠી વગડાની વાતો
અને વગડામાં ખખડાતી હવા જાગી ગઈ છે

લટકતી રાતના જાળામાં તગતગતી દિશાઓ
ફસાવી સૂર્યને મારીને લોહી પી ગઈ છે

બધે અંધારના બાઝી ગયાં છે પોપડાઓ
હવા ફોરમ બનીને બહાર તરતી રહી ગઈ છે.


0 comments


Leave comment