89 - સૂરજના ઊગવા વિષે…/ રમેશ પારેખ


સૂરજ ઊગ્યો... સૂરજ ઊગ્યો....
સૂરજનાં ઊગવા વિષે ઊઘાડ કેટલો ઊગી પડ્યો

પ્રથમ વખત
અનુભૂતિનાં ચોસલાં ઓગળ્યાં
થીજી થીજી નદી વિષે ગતિનાં મીન સળવળ્યાં

પ્રથમ વખત અનુભવી શકું હું
મારા લોહીને

પ્રથમ વખત
હું
વૃક્ષ-ડાળ-પાન કૂંપળો વિષે
સમુદ્ર-પર્વતો વિષે
પવન વિષે / સમય વિષે
ને શબ્દની- વિચારની ક્ષિતિજ પારના બધાં
અવાવરુપણા વિષે
સમય બહારના અનંત વ્યાપમાં વહી જતું અનુભવું
હું ધોધમાર ધોધમાર લોહીને

હું લોહીમાં ફરી વળેલ ધોધમાર ધોધમાર
વૃક્ષ-ડાળ-પાનને
સમુદ્ર-પર્વતો પવન અવાજહીન શબ્દની સમસ્તતા અનુભવું
અનુભવું સમય બહારનાં અનંત વ્યાપને પ્રથમ વખત

ધુમ્મસો ફૂટી ગયાં
ખરી ગયું બધું જ આંખમાં ફરી વળેલ તે
હવે ન કૈં જ આવરણ
વિચારચિહનહીન હું પ્રલંબ કાવ્ય-શો પદાર્થ માત્ર તરબતર તરું
હવા હવા ફૂંકાઈને
હવાની આરપારમાં
રડી પડ્યો પ્રથમ વખત
સમસ્તમાં ફરી વળેલ
ભીંજાઈને
ભીનો ભીનો

ને આમત તારા શ્વાસના પ્રદેશમાં પ્રથમ વખત
ને આમ તારા લોહીના પ્રદેશમાં પ્રથમ વખત
ને આમ તારા નિદ્રના ને સ્વપ્નમાં પ્રદેશમાં
ને આમ તારા શબ્દના ને મૌનના પ્રદેશમાં
પ્રથમ વખત
વીંટાઉં
આસપાસ આસપાસ આરપારમાં
પ્રથમ વખત
તને મને અનુભવું ન ભિન્ન

પ્રથમ વખત
આ આપણે મળ્યાં
મળ્યાના લાલઘૂમ લાલઘૂમ કેફમાં
રતિપ્રદેશને વિષે મળ્યા – ને આમ ગાઉં કે –

આપણી વચ્ચે સખી, સંબંધના પરદા હતાં
એટલે ક્યાં આપણે બન્ને કદી મળતાં હતાં.....


0 comments


Leave comment