91 - કુરુક્ષેત્રે…? / રમેશ પારેખ


મેદાન ના, ગરજતું નહીં કોઈ સૈન્ય
કે ક્યાંય ના હણહણે ગજઅશ્વ જેવું
ટંકરાતાં ઝળહળે નહીં આયુધો યે
ના રક્તપાત્ત, નહીં ભીષણ ચિચિયારી

ના, ના કશું જ નહીં કારણ એવું તેવું

તો શું હશે... ....
તો શું હશે સતત દુઃસહ આ બહુ જ
ખૂંપી ગયેલ રથ કર્ણ તણો હું લાગુ
લાગુ હું મને અભિમન્યુ–ઘટોત્કચ્ચ
જે રોમ રોમ કંઈ તીક્ષ્ણ તીરે વીંધાઈ
ભાંગી પડી તફડતા બસ હોય છેલ્લું
(ને પ્રાણ શે ય છૂટતા જ ન હોય.. ..)
લાગુ મને હું શરસેજ પડેલ ભીષ્મ
હિમાલયે પીગળતું વપુ પાંડવોનું
લાગુ મને રઝળતો અહ દ્રોણપુત્ર
જાણું ન હું કશું જ આમ બધું ક કેમ
(સહદેવ જેમ બધું કેવળ કાળ જાણે)
મારા વિષે ઝગમગે સહુ ચક્રવ્યૂહો
મારા વિષે ધસમસે સઘળા જ પ્રશ્નો
મારા વિષે ભડભડ દહતું બધું જ
હું લાગતો સતત કેમ મને બધું જ
ને વાગતું સતત કેમ મને બધું જ
કોઈ પ્રહાર નહીં ક્યાંય કશો જ શસ્ત્રે
તો લોહીઝાણ પટકાતું ક્ષણેક્ષણે કાં ?
તો લોહીઝાણ પટકાતું ક્ષણેક્ષણે કાં ?

આવું થતું
આવું થતું સતત દુઃસહ રોજ રોજ
શબ્દો વિના ભટકતો રહું અર્થ જેવો
શબ્દો વિના લટકતો રહું અર્થમાંથી
અર્થો વિના લટકતો રહું શબ્દોમાંથી
દ્રશ્યો મને ઉઝરડે અહીં આરપાર
ભીનું કશું જ નહીં – નું અહીં પૂર આવે
સંબંધના તડ તડોતડ તાંતણાઓ
તૂટી ગયા સકળ.....
એક જ હું હવે તો.....
ઊભો ઊભો અવશ કાલ વિષે વિમાસું
સંભ્રાન્તતા અવ થઈ ગઈ નામશેષ
ઉત્સુકતા અવ થઈ ગઈ નામશેષ
વિશ્વાસની સમજની જીવવા વિષેની.

હું કૈં જ ના અવશ માણસથી વિશેષ
‘હોવા’ વિષે ફરફરું તૃણ જેમ તુચ્છ
તો કોણ કેમ ઊઠવાનું કહ્યા કરે છે
તો કોણ લડવાનું કહ્યા કરે છે
કે, ઉઠ સજ્જ થઈ તું કર યુદ્ધ, પાર્થ....

મારે અને લડવું, એ પણ કોની સામે ?
મેદાનમાં કશું ય તે નહીં-તા-ની સામે ?
મેદાનમાં કશું ય તે નહીં-તા-ને માટે ?
પાછો વિષાદભર યોગ મને પીડે છે ?
પાછો વિષાદભર યોગ મને પીડે છે ?
પાછો વિષાદભર યોગ મને પીડે છે ?
ભાંગી પડેલ ઘરમાં અવસાદ ભારે
બેસી પડ્યો કડડભૂસ દઈ હવે હું ?
ખૂટી પડ્યો કડડભૂસ દઈ હવે હું ?
ભાંગી પડ્યો કડડભૂસ દઈ હવે હું ?


0 comments


Leave comment