74 - થાકી જશે ત્યારે ?… / રમેશ પારેખ


ઊભા રહીને ક્ષિતિજોનાં ચરણ થાકી જશે ત્યારે ?
વિહગ થઈ ઘૂમતું વાતાવરણ થાકી જશે ત્યારે ?

કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે
પરંતુ શું થશે જળનું, ઝરણ થાકી જશે ત્યારે ?

તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં – ખોવાયાં
હરણ થઈને ફર્યા કરતાં સ્મરણ થાકી જશે ત્યારે ?

ઊંટો પડછાયે-પડછાયે મૂકી નીકળી ગયાં, પાછળ
દિશા વચ્ચે ઘૂમરીઓ ખાતું રણ થાકી જશે ત્યારે ?

મને આપ્યા કરે બળતાં સતત જંગલ ઉદાસીનાં
પરંતુ હાંફતું પગનું સરણ થાકી જશે ત્યારે ?

હવે શ્રધ્ધા નથી રહી કોઈ સંભવમાં મને કોઈ
તમે જે નામ લો એ નામ પણ થાકી જશે ત્યારે ?.


0 comments


Leave comment