18 - દર્પણના રણમાં ભટકું છું / શ્યામ સાધુ


દર્પણના રણમાં ભટકું છું,
સામે છું’ ને હું શોધું છું.

નગર નગર દાંડી પિટાવો,
જંગલનો મારગ પૂછું છું.

પથ્થરના ઢગલાની માફક,
હું ય સૂતેલો ક્યાં જાગું છું !

ઇચ્છાઓની કાવડ લઈને,
હોવાનો બોજો ઉંચકું છું.

ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,
મારો શ્રાવણ હું ચીતરું છું.


0 comments


Leave comment