21 - અસ્થિના શ્વેત રંગ ચીતરવાનું શું થયું? / શ્યામ સાધુ


અસ્થિના શ્વેત રંગ ચીતરવાનું શું થયું?
મારા તમામ લોહીના મળવાનું શું થયું?

હું પણ ત્વચાની ભીંતે લખું તો લખી શકું,
બંને તરફની આગ ભભૂકવાનું શું થયું?

પૂછો: વિદાય ક્યારે પહાડો બની ગઈ?
પૂછો: જુદાઈ સંગે ઝગડવાનું શું થયું?

સાચ્ચેજ સ્પર્શ - શહેર બરફનાં બની ગયાં,
કોને તરસ કહે કે અડકવાનું શું થયું?

જ્વાળામુખીનું જાણે કે અવસાન થઈ ગયું,
સમજી જવાયું: લોહીના ઠરવાનું શું થયું?


0 comments


Leave comment