53 - અચાનક / શ્યામ સાધુ


અચાનક
મારા રોમે રોમે
શેતૂરનાં વૃક્ષો ઊગી આવ્યાં છે.
બારી તરફ લંબાયેલો મારો હાથ
થીજી ગયેલા સમયે પૂછી રહ્યો છે :
ગઈ કાલે પ્રસૂતિ પહેલાં
કોઈ શિશુનું મૃત્યુ શું અનિવાર્ય હતું?
અથવા
સમયનું થીજી જવું શું કોઈ
લક્ષ્મણ રેખાની સમાનધર્મી ક્રિયા હતી?
મને લાગે છે :
અચાનક મારા રોમે રોમે
ઊગી આવેલાં શેતૂરનાં વૃક્ષો,
મારો બારી તરફ લંબાયેલો હાથ
વસ્તુત:
કોઈ ન લખાયેલી કવિતાનો
ઉઘાડ હતો.

ફૂલોનાં કૂંડા અને ૫-૭ છોકરીઓ...
ક્યારેક થાય છે
આ ફૂલોનાં કૂંડામાં
મઘમઘતાં ફૂલોને બદલે
૫-૭ મીઠી મીઠી છોકરીઓ ઊગી આવે તો !
૫-૭ મીઠી મીઠી છોકરીઓ મહેકી આવે તો !
૫-૭ છોકરીઓ મીઠું મીઠું હસતી હોય
૫-૭ છોકરીઓ છાનું છાનું જોતી હોય
૫-૭ છોકરીઓ દાદું દાદું નાચતી હોય
તો પછી
જામે ને રંગત?
તો પછી
પડે ને મજા?
પણ...
૫-૭ છોકરીઓ કઈ રીતે ઊગે કૂંડામાં?
૫-૭ છોકરીઓ કઈ રીતે મહેકે કૂંડામાં?
૫-૭ છોકરીઓ અને કૂંડાને
અહીં ક્યાં કંઈ સંબંધ હતો ક્યારેય?
કે
૫-૭ છોકરીઓનાં કૂંડા ય
અહીં ક્યાં કૈ ભૈબંધ હતાં ક્યારેય ?
અહીં તો
કૂંડામાં ફૂલો જ ઊગતાં આવ્યા છે સદાય,
અહીં તો
કૂંડામાં ફૂલો જ મહેકતાં આવ્યા છે સદાય,
૫-૭ છોકરીઓ
ક્યારેય કૂંડામાં નથી ઊગી
૫-૭ છોકરીઓ
ક્યારેય કૂંડામાં નથી મ્હેકી.
અલબત્ત !
એ સાચું કે
ફૂલોને પ્રેમથી ચૂંટે છે છોકરીઓ
ફૂલોને આંખો મીંચી મીંચી સૂંઘે છે છોકરીઓ
ફૂલોને જતન કરી કરી પહેરે છે છોકરીઓ
અને
વળી
એ બી સાચું કે
ગુલાબ જેવાં નામ રાખે છે છોકરીઓ
ચમેલી જેવાં નામ રાખે છે છોકરીઓ
સૂરજમુખી જેવાં નામ રાખે છે છોકરીઓ
પણ
એટલે કૈ ફૂલોનાં કૂંડામાં છોકરીઓ ફૂલો બની શકે?
એમ કૈ ફૂલોનાં કૂંડામાં છોકરીઓ મઘમઘી શકે?
.................................
અચ્છા,
તમે જ કહો
દોસ્ત !
ફૂલોનું કૂંડામાં ઊગવું
તમને નથી ગમતું?
ફૂલોનું કૂંડામાં મહેકવું
તમને નથી ગમતું?
બોલો
બોલો
નથી ગમતું તમને?
ખરેખર તો
ફૂલોનું કૂંડામાં ઊગવું તમને ય ગમે
ફૂલોનું કૂંડામાં ઊગવું મને ય ગમે
ફૂલોનું કૂંડામાં મહેકવું સૌને ય ગમે
અહિં તો
ફૂલો કૂંડામાં ઊગે છે
માટે જ
ફૂલોથી મઘમઘી શકીએ છીએ આપણે
ફૂલોને પહેરી શકીએ છીએ આપણે
ફૂલો અને પતંગિયાની વાતો કરી શકીએ છીએ આપણે
બાકી તો
ફૂલોનાં કૂંડામાં
૫-૭ છોકરીઓ ઊગે તો ય શું?
૫-૭ છોકરીઓ મહેકે તો ય શું?
૫-૭ છોકરીઓને કૈ પહેરાય છે અહિં?
૫-૭ છોકરીઓથી કૈં મઘમઘી શકાય છે અહીં?
પછી
લોકો ભલેને કહે :
છોકરીઓ ! તમે શરમાઓ છો ત્યારે
ઇન્દ્રધનુષ્ય રચાય છે આંખમાં,
છોકરીઓ ! તમે હસો છો ત્યારે
મોતી વેરાય છે ચોકમાં,
છોકરીઓ ! તમે સામું જુઓ છો ત્યારે
ધરતીકંપ થાય છે શહેરમાં,
છોકરીઓ ! તમે અડકો છો ત્યારે
માણસ ઈશ્વર થઇ જાય છે જગતમાં
અથવા
આપણે પણ કહીએ
ભલી છોકરીઓ ! તમે મોગરાનાં નીર છો.
મીઠી છોકરીઓ ! તમે અમૃત ફળની ચીર છો.
રૂપાળી છોકરીઓ ! તમે કલેજાની કોર છો.
પણ
આમ કહેવાથી ય શું?
એલફેલ બોલ્યાથી ય શું?
૫-૭ છોકરીઓ થોડી ઊગી આવશે કૂંડામાં?
૫-૭ છોકરીઓ થોડી મ્હેંકી આવશે કૂંડામાં?

એમ તો
મને જ
ક્યારેક અમથું અમથું
થાય છે,
આ ફૂલોનાં કૂંડામાં
મઘમઘતાં ફૂલોને બદલે
૫-૭ છોકરીઓ ઊગી આવે તો?
૫-૭ છોકરીઓ મહેકી આવે તો?


0 comments


Leave comment