55 - સમય / શ્યામ સાધુ


આપણું નામ
ભૂંસી નાખવાથી
આ સૃષ્ટિનો કારોબાર
ચાલવાનો જ નથી
એમ માનવું કૈં બહુ જરૂરી નથી !
અહીં સમચોરસ વારનાં
ઘરમાં રહી
આપણી આપત્તિઓની
પરિભાષા ભલે શોધાય,
ભલે ઝીલાય
પ્રતિકૂળતાના પવન આપણા વડે;
કારણ કે
અહીં સૌ કોઈ જાણે છે:
ન જાણે
કૈં કેટલીય કરોડો ક્ષણોના
વંશસમુહો વિલીન કરી
આ સમય
સિદ્ધ કરી શક્યો છે
પોતાનું અવાવરુંપણું.

વળી
આપણે પણ કહીએ છીએ :
આપણે પણ જીવીએ છીએ
ધારણાઓના બંધ દરવાજે !
ગમે તેમ
શબ્દો બ્રહ્મ હોય કે ન હોય
અહીં માનવા ન માનવાનું કારણ
હોય છે કેવળ
ખાલી જળાશયની લાગણી જ !
કોઈવાર
હોવા ન હોવાના દરિયાને
પી જનારા
આપણા આપ્તજનોએ કહ્યું છે
‘સાચું-ખોટું તો મનનું કારણ છે.’
પણ મન છે તે
પળમાં રણ
પળમાં હરણ.

અને
જંગલોમાં હરણ, સાપ, સિંહ, વાઘ
વધુ ને વધુ જ હોય છે
માટે જ
બધું ભયાનક હોય છે
એમ અહીં કોણ માને છે?
સાચ્ચે જ
આ અનંત ઊંચા ઊંચા
આકાશ નીચે
સહુ કોઈનું કૈં પણ
હોવું ન હોવું
અત્યંત સંકુલ માનવું રહ્યું,
અને
એટલે જ
આ સકલ સંસારનો વહેવાર
આમ જ ચાલ્યા કરે છે;
સહુ કોઈ ગતિના પ્રવાહમાં
લંબાતા લંબાતા
ધીમા ધીમા શ્વાસ લીધા કરે છે;

સહુ કોઈ પોતાના જ
‘સ્વ’ ને ચિંતવ્યા કરે છે
ખરેખર !
અહીં આ આકાર નીચે
અહીં આ અવકાશ નીચે
અહીં આ પૃથ્વિ પર
સહુ કોઈને
ઈચ્છાઓ લીલીછમ રાખવા
પ્રયાસ કરવો પડે છે;
અને છતાં ય
પ્રતીતિઓ
દાઢીના વાળની જેમ
ઊગ્યા કરે છે.
માટે જ
હું તો કહું છું
આપણે
જેને ક્રિયાઓ કહીએ છીએ
એ કૈં જ નથી.

કદાચ
બહુ બહુ તો આપણે
આપી શકીએ નામ
કાગળની હોડીઓનું.
આમ છતાંય
અહીં વિસ્મયનાં દર્પણમાં
ડોલંડોલ થવા કરે છે
સફળતાઓનાં
નિષ્ફળતાઓનાં
ઇન્દ્રધનુષી કમળ !
વળી,
રેતની શીશીમાં જ આપણે સમયને
બાંધ્યો છે એ ભ્રમણામાં
કદીયે આપણી વ્યવસાય વિહોણી
લાગણીઓ ટૂંપાતી નથી.
કદીયે આપણી વિહ્વળતાઓ
મૂંઝાતી નથી....

અને
આપણે તો લ્હેરથી
ચોડયાં કરીએ છીએ
આપણી બુદ્ધિના આલ્બમ પર
કળા મીમાંસાઓનાં પતંગિયા મજેથી,
ઉગાડ્યાં કરીએ છીએ આપણે આંગણે
આત્મવંચનાઓનાં વૃક્ષ !
સાચું કહું તો
આપણે હોઈએ છીએ નિરુપાય
આપણે હોઈએ છીએ નિ:સહાય.
સમય તો સિદ્ધ કરતો જ રહે છે સદાય
પોતાનું અવાવરુંપણું –
આપણા ભોગે,
કેં કેટલીય કરોડો ક્ષણોનાં ભોગે
અને
આમ ને આમ
કોઈવાર સૂરજ
આપણા હોવાની ત્વચા પર
પોતાની બારાખડી લખવાનું માંડી વાળે છે
અથવા
આપણે જ આ બધું જોઈ
કોઈવાર આપણું જ નામ ભૂંસી નાખવાની
પેરવી કરી લઈએ છીએ....


0 comments


Leave comment