2.5 - વનવાસના સહવાસ માટેની સીતાની વિનવણી / કોયલ બેઠી આંબલિયાની ડાળ / બળવંત જાની


   સમાજની-જનસમુદાયની – લોકની મનોચેતનાને વાચા મળતી હોય છે લોકગીતોમાં. ‘સંઘોર્મિકવિતા’જેવી સંજ્ઞા આ કારણે જ લોકગીતને વારસામાં મળેલી છે. સમાજના મહત્વના પ્રસંગને વણી લેતી, શૌર્યની-પરાક્રમની લોકકવિતાની પરંપરામાં એક પ્રવાહ છે નારીચિત્તનો. નારીચેતનાની બળકટ અભિવ્યક્તિ લોકગીતોનું એક મહત્વનું ઘટક છે. નારીવર્ણનો, નારીચિત્તનાં આલેખનો લોકગીતો વિપુલ માત્રામાં વિષયસામગ્રી બન્યા છે.

   આપણા મહાકાવ્યો રામાયણ, મહાભારતને પણ લોકસમુદાયે એમની રીતે વળાંક-વળોટ આપીને તરડી-મરડીને આલેખ્યા છે – કીધા છે. કહો કે જીવતા રાખીને પોતીકા લાગે એવા આગવા-અનોખા રૂપથી કંડાર્યા છે. સામાન્ય જનસમુદાયના રીસામણા-મનામણાં, રાગ-અનુરાગ, ગમા-અણગમા રોપી દીધા છે. આ પ્રાચીન પાત્રોમાં. એમાં માત્ર ગમા-અણગમા નથી પણ એ નિમિત્તે એમાંથી તારસ્વરે પ્રગટે છે મૂલ્યબોધ અને સૌંદર્યબોધ. એટલે તો ગીતો જીવતા રહ્યા અને જળવાતા રહ્યા. માત્ર જીવતા રહ્યા અને જળવાતા રહ્યા એમ જ નહીં પણ જનસમુદાયને નીતિમત્તાના ઘોરણોનો માર્ગ પણ ચીંધતા રહ્યા.

   આ લોકગીતો પ્રથમ દ્રષ્ટિએ સરળ, રસળતા લાગે પણ એનું એક કઠોર પડ ભેદીએ તો એમાંથી મીઠું મધુર કોપરું લાધે, મધમીઠું પાણી પણ પ્રાપ્ત થાય. પરંતુ ભેદીએ તોય નાળિયેરની કાચલી અને એની ઉપરની ઢાલ પણ દીસે છે તો રૂપાળી અને મનોહારી જ. આપણે માત્ર મનોહર રૂપથી સંતુષ્ટ ન થઈએ અને કાચલીનું પડ ભેદીને લોકગીતને પામીએ તો એ ગીતને કવિતાની કક્ષાએ મુકવા તરફ વળીએ. અહીં રામાયણના એક મહત્વના અને અત્યંત જાણીતા પ્રસંગનું લોકગીત છે.

   ગઈ રામનવમીએ ઈસરદાસજીના સમાધિસ્થાન સચાણા જવાનું થયેલું. સાથે હતા લોકવિદ્યા અને ચારણી સાહિત્યના મરમી-માલમી ખેમરાજભાઈ ખડકાણાવાળા. રસ્તામાં એમના એક પરિચિતનો શેરડીનો વાઢ પીલાતો ત્યાં પોરો ખાવા અને રસ પીવા રોકાવાનું બનેલું. ત્યાં એક નારીવૃંદ કામમાંથી પરવારીને વડલા નીચેઝીણા સાદે ગીત ગણગણાવતું બેઠું હતું. એનો પાઠ ત્યારે ભારે કુનેહથી નારીવૃંદને સભાનકર્યા સિવાય જાળવી લીધેલો. ઘીમાસૂરે,નીચા અવાજે ટોળે વળીને બેઠેલી નારી સમુદાયેવહાવેલું એ ગીત મારા ચિત્તમાં જડાઈ ગયું છે રહ્યું છે. એમનો ધીમો સ્વર-ઢાળ કદાચ ગીતના પ્રસંગને પણ અનુરૂપ-અનુકૂળ હતો.
રાજા રામ ચાલ્યા રે વનવાસ
રાણી સીતા વિનવે રાજા રામને
રે રાજા રામ ચાલ્યા વનવાસ. ૧

પાન સરખી હું તો પાતળી
રે મને બીડલે વાળીને લઈ જાવ
રે રાજા રામ ચાલ્યા વનવાસ. ૨

સોપારી સરખી હું તો વાંકડી
રે મને ગુંજામાં ઘાલીને લઈ જાવ
રે રાજા રામ ચાલ્યા વનવાસ. ૩

એલચી સરખી હું તો મઘમધું
રે મને દાઢમાં ઘાલીને લઈ જાવ
રે રાજા રામ ચાલ્યા વનવાસ. ૪

સોટી સરખી હું તો પાતળી
રે મને હાથમાં ઝાલીને લઈ જાવ
રે રાજા રામ ચાલ્યા વનવાસ. ૫
   અહીં માત્ર સીતામાતાની વિનવણી નથી એના રૂપગુણની વ્યક્તિમત્તાને પણ વણી લેવામાં આવી છે. પ્રશ્ન ભારે વિકટ છે. સીતાએ કેવી રીતે રામને મનાવ્યા હશે? પોતાને સાથે લઈ જવાની રઢ નહીં પણ પોતે અનુકૂળ થઈને રહેશે, ભારરૂપ નહીં રહે અને જરા પણ પ્રતિકૂળ નહીં બનેનો ભાવ ભારે કુનેહથી સીતા મુખે અહીં સ્થાન પામ્યો છે.

   લોકમાનસની સીતા એટલે એની આસપાસની ચિરપરિચિત સૃષ્ટિ. નારી કેવી હોવી જોઈએ એનો આદર્શ અહીંથી પડઘાય છે એનું શારીરિક વર્ણન છે પણ એની પડછે પડેલું છે આંતરજગત. રઢ લીધી નથી, દુરાગ્રહ કરતી નથી, પણ વિનવણી કરે છે. નારીભાવ-નારીરૂપ આમ સીતા નિમિત્તે પ્રગટ થયું છે. એ દેવ-દેવતા અહીં રાજારાણી રૂપે લોકચરિત્રોની ભાવભંગિમા સાથે ઓળખાવાયા છે.

   નારીનું નાજુક, નમણું અને નર્યું મઘમધતું રૂપ અહીં વિષયસામગ્રી બન્યું છે. પાતળી-નાજુકદેહયષ્ટિ નિમિત્તે એવી પાતળી નારીનો મહિમા પ્રગટ થાય છે. નારીનું સ્થાન પુરુષની લગોલગ છે, બીલકુલ સાથે છે એનાથી તસુ કે એક દોરાવા જેટલું પણ છેટું નથી. એ કાં તો ગુંજામાં અર્થાત્ ખીસામાં છે, મોઢામાં છે અથવા હાથમાં છે. એમાં જ એની સુરક્ષા પણ છે. એ પુરુષથી આમ આ રીતે રક્ષાયેલીછે જળવાયેલી છે.

   પુરુષથી પળવાર પણ અળગી થવાનું ન ઈચ્છતી આ નારી આખરે તો નિરૂપણ દ્વારા ‘ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ’નો ભાવ ભારે કલાત્મક રીતે પ્રગટાવે છે, અવબધા કારણે જ લોકગીતો લોકહૃદયમાં ચિરકાળ પર્યન્ત સચવાયા. લોકસીતાએ આવી કુનેહથી, વિનવણીથી રામની સાથે જવાનું, રામના સહવાસનું સુખ મેળવ્યું મહાકાવ્યની સીતા કરતાય આ ખરી વનવાસી. ગ્રામસમાજની સીતા વધુ હૃદયસ્પર્શી અને વધુ પોતીકી લાગે છે. દેવત્વના સ્વરૂપે રહેલું ચરિત્ર અહીં એક આગવા આદર્શ સાથે પ્રગટે છે. એ અનુકરણીય બની રહે છે અને બોધપ્રદ બની રહે છે. ઉપરાંત સ્પૃહણીય પણ બની રહે છે... ‘રાણીસીતા વિનવે રાજારામને...’ અહીં સ્થૂળ ‘રાણીપદ’ની વાત અભિપ્રેત નથી પણ હૃદયસમ્રાગ્ની-રાણી કેવી રીતે સહવાસ દ્વારા બની રહી એવી કલાપૂર્ણ વિગત નિહિત છે. લોકગીતમાં આવો ગોપનનો ભારે મોટો મહિમા છે. એનું સૌંદર્ય પણ આવા ભાવનિરૂપણને કારણે છે.
(ક્રમશ:...)


0 comments


Leave comment