57 - મૃત્યુ નામના શહેરમાં / શ્યામ સાધુ


મૃત્યુ નામના શહેરમાં
જન્મેલો હું
જિજિવિષાઓની શેરીઓમાં
આયુષ્યની દોરી ટૂંકાવ્યા કરું છું
સુખ – દુ:ખ, રાગદ્વેષ
આશા-નિરાશા-અભિલાષાની લઇ લઈને
ધારનાઓનાં બારણે ઊભો રહું છું –
રોજ રોજ
ક્ષણે ક્ષણે !
પણ....
સોપો પડી ગયો છે સમયની બજારોમાં
તૂટી ગયા છે પુલ સમયના વિચારોના.
વળી
મૃત્યુ નામના શહેર મહીં
મારી જન્મતિથિ મેં યાદ રાખી
એજ ગુન્હામાં મારે કરવી રહી
કમળપૂજા.....
મૃત્યુ નામના શહેરમાં જન્મીને
મૃત્યુ નામના શહેરમાં મારવાની !

પીળાં ફૂલો, નાચતું નગર અને તું....
પીળાં ફૂલો હજીય ઊગ્યા કરે છે.
તો પછી ધુમ્મસની ચાદર પહેરી આ નગર
નાચતું ભલા ક્યારે થાકશે?
નાચતું નગર અને તો નગર જ છે.
કૈ તુલસીનો ક્યારો નથી,
કે નથી કેવળ પકાવેલી ઇંટોનો જથ્થો !
પીળાં ફૂલોની અપરંપાર માયા છે.
પીળાં ફૂલોની તો અનાવૃત કાયા છે.
માળા બહુ વિચિત્ર છે આ પીળાં ફૂલો
કેવું કેવું બોલે છે.....
કેવું કેવું ગાય છે....
“અંધારું લવિંગ કેરી લાકડી રે
અંધારું ચીબરોની ચીસ,
અંધારું જાંબુડાની ડાળખી રે.
અંધારું પીળાં નથી ફૂલ;
અંધારું, બોલ વીરા બોલ રે,
અંધારું બોલ બોલ બોલ રે...”
અલ્યા એય પીળાં ફૂલો ચૂપ થાવ ચૂપ.

નાચતું નગર હાંફશે,
નાચતું નગર થાકશે,
ત્યારે એનો હાથ નહીં ઝાલો તમે?
અંધારું અંધારું ક્યાં સુધી કાખલી કૂટશો?
હાંફે છે નગર,
નગર હાંફે છે,
નગર હવે તો પાંચિકે રમે તો સારું,
નગર ઝેરકોચલાં પીએ તો એથીય સારું
પણ નગર એમતો બેટું ડાહ્યું છે
સાલું નખરાંખોર છે,
કાચ્ચિંડાનું બચ્ચું છે નગરું.....
અલ્યા મૂકને મારા ભાઈ,
છો નાચતું નગર,
છો હાંફતું.
તું તો ભાઈલા પરદેશી
તારા તો દાણાપાણી ટૂંકા.
તારે શું એ નાગું નાચે કે
પહેરે ધુમ્મસની ચાદર.
નાચે એ થાકે
ને થાકે એ હાંફે.

તું તારે કેં ભઈલા,
રસ્તે તને શું
પીળાં ફૂલો ઊગે છે એવું
કોઈએ નો’તું કહ્યું ?
ને પીળાં ફૂલોની પાંખડીઓ પાંચ જ હશે
એવું તે ગાંડા શું કામ ધારી લીધું ?
પાંખડીઓ તો પાર વિનાની હોઈ શકે,
ને પાંખડીઓ બે-ચાર પણ હોય !
પણ અલ્યા તું કાંનો !
રેતુંના ઘર બાંધે તાંનો?
એમાં છાતી તે કાઢે છે શાનો?
તું તો ભઈલા ભોળાજી છો
શંકરની અસ્વારી છો અસ્સલ.
તારું આ નગરમાં કામ નહીં.
નગર અમારું છેલછબિલું
નગર અમારું લટકાળું
નગર અમારું સોનહરણ છે
સપનું સો પાંખાળું.

વીરા, પાંખોના રંગ છે પીળાં,
પીળાં ફૂલોનું નગર અમારું.
નગર પછી કે’ કેમ ન નાચે રુમઝુમ?
નગર ભાઈલા નાચ્યા કરશે.
નાચ્યા કરશે નગર નઠારું.
તારે તો એ થાકે ત્યાં સુધી રાહ જ જોવી.
સાત સાત જનમ સુધી તું તારે
રાહ જોયા કરજે.
રૂપાળાં કામ ન કરિયેં ?
પીળાં ફૂલોની માળા બનાવજે
ને પહેરજેને વીરા હેતથી.
જો એમ અથરા થિયે ન આવે પાર
તું સાંભળ વીરા, મારી વાત.
પૂર્વે પાંચ જનમ પહેલાં –
નગર અમારું હતું અનાદર દુર્વાસાનો
તું રે હતો વીરા વીંટી શકુંતલાની,
પીળાં રે ફૂલો હતાં માછીની જાળ.
સાંભળ
સંજોગના રે સહુ ભેળા થયાં....
હવે તો વૈતરણીને પાર કરે તે વીર.
પૂર્વે સનકાદિના જન્મ્યા પહેલાં
પીળાં ફૂલો રંભાના ડાબા પગનું તલ
નગર નાચતું કલ્પવૃક્ષનાં છાંયે બેસી
ને તમે રે હતાં વીરા.
દધીચિનાં હાડકાં !
પીળાં ફૂલો બહુ લાડકાં.
તો પછી પીળા ફૂલો કેમ ન ઊગે ?
ફૂલોનું ઊગવું તો સારું.
પવન બિચારો એકલો એકલો વાય
એ તે શેં ગમે ?
મ્હેકે એનુંજ મોટું નામ
આપ્યાથી શું અદકું કામ ?
પીળાં ફૂલો એટલે સ્તો ઊગે છે
પવન માટે
તારાં માટે, મારાં માટે
અંધારાનો થાક ઊતારવા કાજે.
બોલ ભાઈ,પીળા ફૂલો કેમ ન ઊગે ?
ઊગશે તોજ
અંધકારનું ટોળું ટીડ બનીને ઊડી જાશે,
આ ડુંગર દેખાશે,
આ ડુંગર દેખાશે,
આ ઝરણા ધીમું ધીમું ગાશે.
માટે કહું છું કે
પીળાં ફૂલો એકવચન છે,
પીળાં ફૂલો બહુવચન છે
તું તો કેવળ લોપ રહ્યો વિભક્તિનો !
તું કહે એટલે
કેમ નગર ના નાચે ?
કેમ ન ઊગે પીળાં ફૂલો ?
રામ ગયા વનવાસ, તુલસીજી.
પારધિયે માર્યા બાણ, ઓધવજી.
કેમ ન નાચે નગર અમારું ?
કેમ ન ઊંગે પીળાં ફૂલો ?
તો ભાઈ મારા
નગર નાચે છે અને પીળાં ફૂલો ઊગે છે
એમાં આમ ઉદાસ ન થા
જીવ મ ઓછો કર
બિચારું નગર ભલે નાચતું
ભલેને પીળાં ફૂલ ઉગતાં !


0 comments


Leave comment