38 - આંગળી ચીંધી તેં એવા તોરની / શ્યામ સાધુ


આંગળી ચીંધી તેં એવા તોરની,
સાંભળી મેં ગ્હેક જાણે મોરની.

ચૈતરી તડકામાં તારી યાદને,
માની લીધી ડાળ મેં ગુલમહોરની.

આ જુઓ અહીંયા સૂરજના શહેરમાં,
સોનવર્ણી થઇ પરી બપ્પોરની.

સાવ કોરી પાટી જેવા નભ ઉપર,
આવ લખીએ યાદ આઠે પ્હોરની.

ક્યાંક ભીની મહેંકનું મન ભાંગશે,
ઓ પવન ! મૂકો કથા કલશોરની.


0 comments


Leave comment