31 - છે / રમેશ પારેખ


આ છળનો જે સર્જક કલાકાર છે
એ બંધુને મારા નમસ્કાર છે

આપણા બેઉ વચ્ચે આ જખ મારતી
માનનીય ભીંતને શો અધિકાર છે ?

નથી કંઈ બીજું આ સકળ વિશ્વ તો
માત્ર મારાં બગાસાંનો વિસ્તાર છે

છીંક બ્રહ્મરંધ્રમાં ક્યાંક ભૂલી પડી
નાક લાચાર છે : છીંક લાચાર છે

ભૂત ચાવી ગયો પાન અશ્વત્થનાં
માત્ર ઠૂંઠામાં ઠૂંઠું તદાકાર છે

જે મળ્યો એણે તોડી લીધો છે મને
તો, નથી જે મળ્યા એનો આભાર છે

કાનામાતર વગર જન્મ દીધો મને
જે કોઈ હોય એ, કેવો દાતાર છે

ઢોલ પીટો છતાં લોક જાગે નહીં
ગામમાં ઊંઘપાંચમનો તહેવાર છે

ચલો યાર, સિનેમા જોઇ આવીએ
મરણ આવવાને ઘણી વાર છે

ટ્રેન ચૂકી ગયા જેવો ચહેરો રહ્યો
ને અરીસાના સ્ટેશનમાં સૂનકાર છે

આ ગઝલ નહીં રહે એના લયમાં, રમેશ
છે આજે તો છુટ્ટી – રવિવાર છે

(૧૬-૧૨-૧૯૭૩ / રવિ
૨૯-૦૯-૧૯૭૫ / સોમ)0 comments


Leave comment