32 - આવે, વહાણ રમખાણ કચ્ચરઘાણ / રમેશ પારેખ


આ તરફ ચીંથરેહાલ આંખો
આ તરફ કૈંક ઓસાણ આવે
ક્યાંક દરિયો સુકાઈ રહ્યો છે
ક્યાંક ઊંબર સુધી વહાણ આવે

પગ તો હાંફ્યા કરે છે સૂરજમાં
હાથ સપનામાં ચોંટી રહ્યા છે
નાખે એવો તો ફાંસો દિશાઓ
ચારે બાજુથી રમખાણ આવે

આ કમળ ઉર્ફ કેવળ સપાટી
કૈંક સળગે છે યાને કે તળિયું
દ્વાર ભિડાયલાં છે ચપોચપ
બ્હાર કઈ રીતે ઊંડાણ આવે

ઝાડ બારીમાં બંદૂક પેઠે
તાકે મારા તરફ એની ડાળી
ગાળ જેવી ઋતુઓના સોગન
અહીં ક્ષણો પણ કચ્ચરઘાણ આવે

આંખનો વેશ પહેરીને દ્રષ્ટિ
કૈંક જોયાનો કરતી અભિનય
કાચ જેવી પ્રતીતિને ડસવા
રિક્ત ઘટનાના પાષાણ આવે

કોણ ખૂનખાર થઈને પડ્યું છે
લંગડાતા આ શ્વાસોની પાછળ
તર્ક વચ્ચેય નદીઓની માફક
ઘુમ્મરીઓ અને તાણ આવે

(૨૧-૧૧-૧૯૭૬ / રવિ)


0 comments


Leave comment