34 - પગાયણ / રમેશ પારેખ


ખરું પૂછો તો બહુ દૂર જઈ પડેલા છે
પગ તો ધડમાંથી દડી નીકળેલ રેલા છે

કદીય સ્વપ્ન નીરખવાની તો વાત જ ક્યાં છે,
ઠેસ જોવાય પગને ચક્ષુ ક્યાં મળેલાં છે ?

છે એને હાથના જેવા કુટિલ ભાયાતો
એટલે ધૂળના શરણે આ પગ ગયેલા છે

બુલંદી સામે બગાવત કરી ઊઠેલા પગ
ગુલાંટ ખાઈ પગરખાંમાં જઈ પૂગેલા છે

મળ્યું ન તોય તે આ કાળા પગને અજવાળું
આમ પગલાંઓ તેનાં ચંદ્ર પર પડેલાં છે

આ પગને ઝાંઝરી શું, ઝાંઝવાં શું, ઝરણું શું?
કે એની ડેલીએ દીવા કરી ચૂકેલા છે

પૂછો આ પગને, કહેશે, એ જાણભેદુ છે
કે કોનાં આંગણાં બંદૂક થઈ ગયેલાં છે

હોય એકાદ વેંત માર્ગ તે ના ખૂટે
માર્ગ વચ્ચે જ હમેશાં આ પગ ખૂટેલાછે

કોઈક લાશને સ્ટ્રેચર ઉપાડી નીકળી હોય
એમ જ્યાં ત્યાં મને આ પગ લઈ ગયેલા છે

થયો જો બાદ ભર્યો ગુલમહોઅર ઘરમાંથી –
તો સુક્કી ડાળખી જેવા આ પગ વધેલા છે

સળંગ ઉમ્ર રઝળપાટને લખી દઈને
હજુ આ પગ મેં કોના માટે સાચવેલા છે ?

કશું જ સામ્ય નથી વૃક્ષમાં ને મારામાં
છતાંય આમ કાં આ પગ મને ઊગેલા છે ?

ॐ તટતતસત્ પીડાના જળને સાષ્ટાંગ સલામ
સ્વયંભૂ જેમાંથી આ પગકમળ ખીલેલાં છે

રમેશ, પગને ચઢાણો વડે ગણાય નહીં
ગણિત થાકનું રસ્તાઓ ક્યાં ભણેલા છે ?

(૨૨-૦૬-૧૯૭૮ / ગુરુ)0 comments


Leave comment