35 - તોય ખાલી છે / રમેશ પારેખ


લગાવો ઠેક તોય ખાલી છે
ભરી દો મ્હેક તોય ખાલી છે

સમૂહ, ભીડ, ટોળું, ગિરદીઓ
ને વત્તા એક તોય ખાલી છે

ન આસપાસ કે ન અધવચ્ચે
અડાય છેક તોય ખાલી છે

ઉશેટો, સાચવો ને છલકાવો
કરો અનેક તોય ખાલી છે

અહીં કે ત્યાં કે કોઈ પણ બાજુ
મળે કશેક તોય ખાલી છે

યુગો, સદીઓ, ઋતુઓ અથવા
જુઓ ક્ષણેક, તોય ખાલી છે

એને શરણે જ છેવટે જાઓ
કે રાખો ટેક, તોય ખાલી છે

(૧૮-૦૭-૧૯૭૮ / મંગળ)0 comments


Leave comment