38 - ગઝલ – એક સવારની / રમેશ પારેખ


સવારના આછા ખેતરમાં
લટાર મારું હું ઈશ્વરમાં

ક્યાંક સીમની કૂંપળ ફૂટે
લીલાશ દદડી આવે ઘરમાં

નીલમવરણો સૂરજ ઊગ્યો
પીગળવું ઊગ્યું પથ્થરમાં

પંખીની રંગોળી જેવા
કલબલતા ડંકા ટાવરમાં

જરીક અમથી ચૂંટી ખણતાં
લાલી ફૂટે છે કસ્તરમાં

ફૂલ સમી હું દ્રષ્ટિ ફેંકું
મને મળે ગજરો ઉત્તરમાં

નથી સમાતો આજ હવે તો
હું આ મારા છ અક્ષરમાં

(૨૮-૧૨-૧૯૭૨ / ગુરુ)0 comments


Leave comment