39 - – ની / રમેશ પારેખ


જેટલી દંતકથાઓ બની અરીસાની
છે ઝીણી ઝીણી કરાચ એ તો કોઈ કિસ્સાની

તરડ પડે છે સફાળી હર એક ચહેરા પર
ઊઠે છે વાસ અચાનક બળેલી ઇચ્છાની

સમુદ્ર કેદી બનીને છબીમાં લટકે છે
શક્ય છે, એને નજર લાગી હોય તરસ્યાની

પરિચિતોમાં સરેઆમ આંખ ભટકે છે
લાશ રઝળે છે જેમ શહેરમાં અજાણ્યાની

હોય તો એજ છે સૌથી પ્રચંડ દુર્ઘટના
કે કોઈ નોંધ નથી લેતું કોઈ ઘટનાની

સલામ, કુંજડી નાં હારબંધ ટોળાંને
કે જેને વાગતી ના ઠેસ કોઈ રસ્તાની

ખળભળી જાય છે આકાશની બુલંદી પણ
ફૂટે છે કાચલી જ્યારે કોઈક ઈંડાની

(૦૬-૦૬-૧૯૭૬ / રવિ)0 comments


Leave comment