41 - સુરંગ જેમ બિછાવ્યા હતા... / રમેશ પારેખ


સુરંગ જેમ બિછાવ્યા હતા અક્ષર એમાં
એ તારો પત્ર હતો ને હતા ઉત્તર એમાં

કરોડો માઈલ લાંબા જીવવાળો એક માણસ
અને ન એક્કે ઇંચ છાંયડો નક્કર એમાં

મેં મનને ચીતરેલ વૃક્ષ જેમ થંભાવ્યું
છતાંય કંપ ઊગી જાય છે અકસર એમાં

કમળને જન્મ દે એવા સજળ છે સંદર્ભો
ને આંખ છે કે બની જાય છે પથ્થર એમાં

ફૂટી છે એક શીશી એના કાચ વાગ્યા છે
સાંભળ્યું છે કે હતું એક દી અત્તર એમાં

રમેશ, જિંદગી તરવી તો સાવ સહેલી છે
પરંતુ હોય છે થોડી જગા દુસ્તર એમાં

(૨૩-૦૮-૧૯૭૮ / બુધ)0 comments


Leave comment