42 - દરિયો રે... દરિયો ઝૂલે... કે ઝૂલે... / રમેશ પારેખ


ઘાસમાં રે...ઘાસમાં રે મેદાન ઉછાળા ખાય.

કેમથી રે... કેમથી રેલો નીસર્યો કે આ કેટલાં
ગુણ્યાં કેટલાં લીલમવરણાં પાણી થાય

દરિયો રે...દરિયો ઝૂલે...કે...ઝૂલે...કે ઝૂલે,
પાણીનું...ઝાડવું ઝૂલે...કે...ઝૂલે...કે ઝૂલે
અડખેથી...પડખે લગી આભલું ફંગોળાય !

પણ, છાતીના સઢમાં લીલોછમ આ ઘટાટોપ
આ છાકમછોળ આ પવન સરરર્
આમ હેલારો તેમ હેલારો આંચકો
લંગરતોડ હમ્બેલા ઊપડે હોડી ભરરર્

બોલવું નહીં ઝાડવું નહીં છાંયડો નહીં
ચાલવું નહીં કેડીઓ નહીં ક્યાંય
ઘાસમાં રે...ઘાસમાં રે મેદાન ઉછાળા ખાય

માછલી યાને ટેકરી યાને માછલી ઘડી
ડૂબકે ઘડી નીકળે લીલીચટ્ટ
ફૂંક મારો તો દરિયાની સોંસરવી
હવા નીકળે એવા ડુંગરા પોચાપટ્ટ

કેટલો છાનો કેટલો તોતિંગ કેટલો
ખાલી આંખનો ખાડો તળિયે બૂડી જાય

ઘાસમાં રે...ઘાસમાં રે મેદાન ઉછાળા ખાય
દરિયો રે...દરિયો ઝૂલે...કે...ઝૂલે...કે ઝૂલે
પાણીનું...ઝાડવું ઝૂલે...કે...ઝૂલે...કે ઝૂલે

અડખેથી...પડખે લગી આભલું ફંગોળાય...
ઘાસમાં રે...ઘાસમાં રે મેદાન ઉછાળા ખાય.

(૦૩-૦૮-૧૯૭૨ / ગુરુ)0 comments


Leave comment