43 - સાંજભર્યા ધુમ્મસનો કિસ્સો / રમેશ પારેખ


સાંજભર્યા ધુમ્મસમાં ખરબચડું ઝાડ સાવ બની ગયું ધુમ્મસનો હિસ્સો
આ બાજુ પોતાનાં કલરવમાં બૂડી જતી ચકલી પોતે જ એજ કિસ્સો

કિસ્સા પર વળી એક કિસ્સો કે ચડ્યું મને ધુમ્મસનું ઝેર જોતજોતાં
મૂંઝારા આમ કદી સોળે કળાએ મારી છાતી શણગારતા નહોતાં

ઘાસભર્યા બીડ વ્હાલબાવરાં બનીને એના આમતેમ ફંગોળે વાળ
પર્વતને સૂનમૂન છોડી ઢોળાઈ જતા પર્વતના ઘૂઘવતા ઢાળ

આ મને જંગલનાં સુસવાટા થાય એનું ઝાડવું ઉગાડતાં ન આવડે
સૂરજને ઘણું બધું આવડે ને પોતાનો પડછાયો પાડતાં ન આવડે

વાદળાંનો કિલ્લો ને વાદળાંનું રાજપાટ અને એક વાદળાંની રાણી
બચપણનાં વાદળાંએ વરસી વરસીને મને કરી દીધો આજ પાણી પાણી

અરે... મારી પિંડી પર ક્યાં ઘસે છે રાતરાણીની ગંધ ભોળી ભોળી
ચારે દિશાઓ ભરી ઊડતી દેખાય મારા સોંસરી પતંગિયાંની ટોળી

ચકલીના કલરવમાં બૂડે આ ભાન એનાં છેલ્લા ઓવારણાંઓ લેજો
સાંજભર્યા ધુમ્મસમાં હું રે ખોવાયો ક્યાંક કોઈને જડું તો મને કહેજો...

૧૩-૦૭-૧૯૭૩ / શુક્ર)0 comments


Leave comment