44 - દરિયો અને તું / રમેશ પારેખ


ફીણ મોજાંના વનમાં છૂટો દરિયો ફરે.

હુમ્મહુડૂડૂ ડણકી સાવજ જેમ સપાટી હચમચાવી નાખતી વીંઝેયાળ,
જળનું હરણ બાવરા પગે અહીંથી તહીં અહીંથી તહીં સૂસવી દેતું ફાળ,
સામટા હજાર રાફડામાંથી સામટા હજાર શેરડા ભીનું સસલા જેવું ડોકિયું કરે :
ફીણ મોજાંના વનમાં છૂટો દરિયો ફરે.

દૂરથી દોડી આવતા ડમ્મર પરવાળાના લોઢમાં તરે સાંજનું રાતું મુખ,
નાળિયેરીના ઝુંડમાં થઈ ઝૂલતી ચાલે આવતી તને નીરખ્યા જેવું સુખ,
પરપોટાની ઝૂલમાં સૂરજ તેજ પરોવી સોનમુખીનાં ફૂલનું ભરત ભરતો તરે :
ફીણ મોજાંના વનમાં છૂટો દરિયો ફરે.
ખડકો કૂદી પડતી અલ્લડ છોળની વાછંટ રણકે તારી ઝાંઝરી જેવો સૂર,
દરિયો છૂટ્યો જાય ને કાંઠો લોહીમાં વાતો થાય ને છાતી તોડતાં આવે પૂર;
દરિયા વીંધી સાત હું મૂકું પગ ત્યાં કાંઠે આઠમો તારી આંખનો અતલ
દરિયો,અરે !
ફીણ મોજાંના વનમાં છૂટો દરિયો ફરે.

(૦૪-૦૬-૧૯૭૦ / ગુરુ)0 comments


Leave comment