46 - વરસાદ એટલે શું ? / રમેશ પારેખ


રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું.
ટપલે નેવું...

પલળેલી ચકલી થથરાવી પાંખો પવનમાં પૂરે ઝીણી ફરફરની રંગોળી.
નેવાં પરથી દડી જતું પાણીની ટીપું પોતાનું આકાશ નાખતું ઢોળી.
એ પણ કેવું...

દૂર કોઈના એકઢાળિયા ઘરની ટોચે નળિયામાંથી નીકળતો ધુમાડો.
કૂતરું અડધું ભસે એટલામાં ટાઢોડું ફરી વળે ને બૂરી દે તિરાડો.
કેવળ એવું...

પીળી પડતી જતી છબી પર નજર જાય ને ફૂરચેફૂરચા સરી પડે છે ભોંયે.
લીલા ઘાસની વચ્ચેથી પાણીની ઝાંખી સેર બનીને ફરવા નીકળ્યા હોંયે.
ખળખળ વહેવું...

ઘરમાં સૂતો રહું ને મારા પગ રઝળે શેરીમાં, રઝળે ભીંતે કોરી આંખો.
હું માણસ ના થયો હોત ને હું જો ચકલી હોત ને મારે હોત પલળતી પાંખો.
કોને કહેવું...

રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું.
ટપલે નેવું...

(૪૦-૧૨-૧૯૭૪ / બુધ)0 comments


Leave comment