30 - ખાલી સ્મરણનાં એકલાં વાદળ નહીં ગમે / શ્યામ સાધુ


ખાલી સ્મરણનાં એકલાં વાદળ નહીં ગમે,
માગી તરસ મેં એટલે મૃગજળ નહીં ગમે.

અંધારમાંય આ જુઓ હું લ્હેરથી જીવું,
કરતાં હશો જો સૂર્યની અટકળ, નહીં ગમે.

ખોવાઈ જઈને શ્વાસના કોલાહલો મહીં,
વિહવળ થનારી કોઈ હવે પળ નહીં ગમે.

શબ્દો કદીય મૌન ઉકેલી શક્યા નહીં,
સાચું છે: અંધ આંખને કાજળ નહીં ગમે.

નભથી ઊતારવાં છે કિરણ ભીની ગંધ પર,
ફૂલો વગરની હોય તો ઝાકળ નહીં ગમે.


0 comments


Leave comment