51 - ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ / રમેશ પારેખ


ખીંટીએ ઓઢણીએ પૂછ્યું કે, ક્યાં હાલ્યાં ?
ઓઢણીએ કીધું કે, ઊડવા...

ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
તો ઓઢણી ક્યે, હવે ઝાલ્યો ઝાલ્યો
ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ
હું તને કઈ પા-થી સાલ્યો ?
ના, નહીં જાવા દઉં...ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા

ઊંબર બોલ્યો કે, હું તો આડો નડીશ
તયેં ઓઢણી બોલી કે, તને ઠેકશું
ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે : મર્ર,
તન પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
વાયરાએ કીધું કે, હાલ્ય બાઈ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા

ખીંટીએ ઓઢણીએ પૂછ્યું કે, ક્યાં હાલ્યાં ?
ઓઢણીએ કીધું કે, ઊડવા...

(૧૯-૦૪-૧૯૭૫ – બુધ / ૧૨-૦૮-૧૯૭૫ – મંગળ)


0 comments


Leave comment