52 - નવપરિણીતાનું ગીત / રમેશ પારેખ

ભલે દાદાજી ખૂંખારે દોઢીએ
છાનું છાનું રે ઠેઠ સમણે જઈને અમે પાછાં રે આવતાં પરોઢિયે

આવ-જાનો થાક જાણે ઘૂઘરીઓ હોય
એમ પાંપણની કાંગરીમાં વાગે
ઉપાડે માંડ માંડ નજરુંનો ભાર : વળી
આંખ ભોંય ખોતરવા લાગે
દિવસના દર્પણમાં ઊગે વનવાસ : રાત બાવળના પાથરણે પોઢીએ
છાનું છાનું રે ઠેઠ સમણે જઈને અમે પાછાં રે આવતાં પરોઢિયે

ખોરડાની આબરૂનો ઊંચેરો મોભ
કોઈ કાગડો બેસે ને તોય શોભે
ચરણોમાં ઘૂઘવતું કેડીઓનું પૂર
હવે ઊંબરની આડશે ન થોભે
સરી જાય ઘડી ઘડી મહિયરનું ભાન અને ઘડી ઘડી આઘેરું ઓઢીએ
છાનું છાનું રે ઠેઠ સમણે જઈને અમે પાછાં રે આવતાં પરોઢિયે
ભલે દાદાજી ખૂંખારે દોઢીએ

(૧૮-૦૬-૧૯૭૦ / ગુરુ)0 comments

Leave comment