54 - કૌતુકગીત / રમેશ પારેખ


કોઈ છોકરીની છાતીમાં ઓચિંતું ફૂલ ઊગી નીકળે તો ત્યારે તે શું કરે ?
કોઈ છોકરાને હોઠોમાં સીટીનો હીંચકો હીંચકવા લાગે એવું કરે...?
એનું જોવું/ન જોવુંયે બની જતું હરણોની હિલચાલ ?
એની નિંદરને ઊડી જવું અડકે છે લાલ લાલ ?

એનું અમળવું ઊભેલી, થંભેલી, થીજેલી અટકળને ખળખળ વ્હેવું કરે ?

અરે મૂંછની રુવાંટીનું છોકરાને પ્હેલવ્હેલું ભાન થાય ?
અરે, શેરીમાં આવતા ટપાલીને જોઈને ઉદાસ થાય ?

અરે, જાતે સાષ્ટાંગ ધાગધાગા વરસાદ બની લાવ લાવ વરસી નાખું કરે ?

પછી છોકરામાં ઠેર ઠેર રોપાતા બુટ્ટા ગુલમ્હોરના ?
પછી છોકરીમાં ઠેર ઠેર ફરી વળે પગલાં કલશોરનાં ?
ઠેર આંખોને હંસોનાં ટોળાંથી રેબઝેબ લૂછી લૂછીને સપનું કરે ?

(૨૭-૦૪-૧૯૭૪ / શનિ)0 comments


Leave comment