55 - વળગ્યું છે ઝૂર, મારું ઝૂર કાઢો / રમેશ પારેખ


કોણ કોને ઝૂર્યું કે મને વળગ્યું છે ઝૂર, મારું ઝૂર કાઢો
અમે ક્યાંથી વ્હોરીને આમ આવ્યા ઘેઘૂર, મારું ઝૂર કાઢો

મને નાનકડી છાંગને ઝુરાપો આવ્યો રે, મારું ઝૂર કાઢો
મારા કોરાકટ કંચવામાં ખાંપો આવ્યો રે, મારું ઝૂર કાઢો

ઝૂર લીલાકુંજારથીય લીલું ચટ્ટાક, મારું ઝૂર કાઢો
મને ડાબી બાજુમાં ડાળ ફૂટી ફટ્ટાક, મારું ઝૂર કાઢો

ઝૂર પાનની ડેલીએથી પેઠું રે ઝૂર, મારું ઝૂર કાઢો
હું તો ઘેલી ઘેલી ને ઝૂર કેવું ચતુર, મારું ઝૂર કાઢો

ઝૂર મેંદીની ભાત થઈ બેઠું, બેઠું રે મારું ઝૂર કાઢો
સાવ છનકડી વાત હું તો વેઠું વેઠું રે, મારું ઝૂર કાઢો.

(૧૯૭૨)0 comments


Leave comment