56 - હરખઘેલીનું ગીત / રમેશ પારેખ


ન્હોતી કહેતી કે સાંજ પડવાની વેળા – સાંજ પડવાની વેળ નહીં લાગે

હળુ હળુ આથમતા બાવળના ઝાડને
હું પડતી સવાર કહી બેસું
પંખીના કંઠલગી પથરાતા ફળિયાનું
હવે અમે કયું નામ દેશું ?

ઊડતાં પતંગિયાંને વાયરામાં ડમરાતું અંધારું ઠેશમાં ન વાગે

તગતગતું આવ્યું કૈં સોનેરી ભાન
મને કોઈ તો પૂછો કે હાય, શાનું
જીભ સુધી આવીને બેઠું પાતાળ એ જ
હોઠ નહીં ખૂલવાનું બ્હાનું ?

કાલ સુધી કડકડતું છાતીનું હિમ હવે સૂરજનું ઊગવું ન માગે
ન્હોતી કહેતી કે સાંજ પડવાની વેળા – સાંજ પડવાની વેલ નહીં લાગે

(૦૮-૦૧-૧૯૭૧ / શુક્ર)



0 comments


Leave comment