57 - સૈ, મને ચૂંટી તો ખણ / રમેશ પારેખ


સૈ, મને ચૂંટી તો ખણ –
લોચન સંગાથ કોઈ લીલાછમ ઘેનમાં બૂડી છે આંગળીઓ પણ...

પંખી-ભરેલ મારું ફળિયું બોલે કે
લોહી ગણગણવા લાગ્યું છે ગીત ?
ડાળીને જોઈ જોઈ આવડી ગઈ
શું મારી પાંપણ ને ઝૂકવાની રીત ?
ગણતાં ગણતાં રે મારા વેઢા ખૂટ્યા છે સખી, તુંજ નવા પાંદડાંઓ ગણ...

તડકાની કોરમોર છાંયડાઓ ટાંકીને
કોણ આમ શણગારે ઝૂલ ?
રમતાં મૂક્યા છે રૂડા વચ્ચે બે પોપટા
ને કાંગરીએ સગપણનાં ફૂલ
તાકી તાકી હુંય તકતામાં જોઉં, હુંય ઓસરીએ બાંધુ તોરણ...

સૈ, મને ચૂંટી તો ખણ
લોચન સંગાથ કોઈ લીલાછમ ઘેનમાં બૂડી છે આંગળીઓ પણ...

(૦૩-૧૨-૧૯૭૦ / ગુરુ)0 comments


Leave comment