58 - દર્પણ કન્યાનું ગીત / રમેશ પારેખ

તકતાને આંગળીઓ ફૂટી !

પાસે આવીને સ્હેજ ઊભી રહું કે મને ચપ્પ રે દઈને ભરે ચૂંટી,
રાતુંચટ્ટાક ચડે ચૂંટીનું ઝેર, ચડે ભમ્મરિયા ફેર, જાણે દોરથી પતંગ પડી છૂટી.

તડકા સિવાય કોઈ સંગાથી હોય નહિ એવા વૈશાખની બપોરે,
અતલસના કંચવાનું લીલુછમ પોત જોઈ સુક્કાતું ઝાડવુંય મ્હોરે,
હરણાંનો ઉછળાટ બાંધી બાંધીને મારાં સમણાંની પાળ ગઈ તૂટી
- તકતાને...

રહી રહીને મારામાં ઝૂલતું થવું રે કોઈ ફાગણના ખાખરાની શાખનું,
આવું તેવું તો બધું એણે કર્યું છે અને આવ્યું છે નામ મારી આંખનું,
લાજી મરાય એવી વાત છે કે જાણું આ ઠાકરિયા ઝેરનીય બુટ્ટી.
- તકતાને...

પાસે આવીને સ્હેજ ઊભી રહું કે મને ચપ્પ રે દઈને ભરે ચૂંટી,
રાતુંચટ્ટાક ચડે ચૂંટીનું ઝેર, ચડે ભમ્મરિયા ફેર, જાણે દોરથી પતંગ પડી છૂટી.

(૨૪-૦૮-૧૯૭૦ / સોમ)0 comments

Leave comment