60 - અરે... / રમેશ પારેખ


અરે, તમે તો સૂરજવંશી કેવું કેવું આવ્યા...

તમે ધખધખતું આવ્યા
મારા વેણ છલોછલ હોઠ લગી પાતાળ સૂકવી દીધાં
લોચન વચ્ચે ટગર ટગર લૂ જેવી આતુર નજરે તમને અનરાધારે પીધાં

તમે છલકતું આવ્યા
મારા છાતીના છોબંધ ઓરડા વચ્ચે ગાંડાંતૂર
તંગ અવાચક ભીંતસોંસરાં ફરી વળ્યાં રે ફરી વળ્યાં રે ફરી વળ્યાં કૈં પૂર

તમે રણકતું આવ્યા
મારા દટ્ટણપટ્ટણ થઈ ગયેલાં લોહીજીવન ટીંબે
આળસ મરડી થયાં સજીવન
દંતકથા વંટોળ અરીસો ફળિયું પંખી બીક ટેકરી અમેપણાના બિંબે

અમે તમારું ધખધખવું કૈં અનરાધારે પીધું
અમે તમારું છલકાવું છાતીમાં રોપી લીધું
તમે રણકવું ઢોળી અમને રૂંવે રૂંવે રણકાવ્યા
અરે, તમે તો સૂરજવંશી કેવું કેવું આવ્યા...

(૦૫-૧૭-૧૯૭૧ / સોમ)0 comments


Leave comment