22 - કૈં નથી હોતું સમયના હાથમાં / શ્યામ સાધુ


કૈં નથી હોતું સમયના હાથમાં,
માછલી જોયા કરું છું કાચમાં.

એમ લાગે છે સૂરજ ઊંઘી ગયો,
એકલું આકાશ ઉઘડ્યું આંખમાં.

પાંદડાં ખખડે અને ચોંકી પડું,
કેટલાં વૃક્ષો ઊગ્યાં છે યાદમાં!

ધારણાની શેરીએ સીધા જજો,
શક્યતાનું ઘર હશે ત્યાં પાસમાં.

કાંચળી માફક તમારું શહેર આ,
મારું હોવું તો હવાની વાતમાં.


0 comments


Leave comment