61 - ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત / રમેશ પારેખ


હાથ ઘઉંમાંથી વીણે છે કાંકરા
પછી ગામલોક છે તે એને ભલે મારે મહેણાંઓ આકરાં

પાંપણની પાછળથી આંખ ક્યાંક છાની માની છટકે તો હાથનો શું વાંક?
હાથને જરાય નહીં પોરો કે આમતેમ નવરા થઈ ટહેલે જરાક
ઘઉં છે તે આવીને ઘઉંમાં મોં નાખે છે કોઈ કોઈ વાર ઢોરઢાંખરાં
પછી ગામલોક છે તે એને ભલે મારે મહેણાંઓ આકરાં
હાથ ઘઉંમાંથી વીણે છે કાંકરા

આલ્લે...લે આવી આવીને મૂવાં ઝાડ અહીં ઘર સામે મોરચાઓ માંડે
હવે નથી ઠેકાણે હાથનું જરાય, એને માદળિયું પહેરવો કાંડે
એલફેલ ઝાડનું તો ગજું નહીં પણ આ તો ફાટ્યા છે લૂંબઝૂંબ ખાખરા
હાથ ઘઉંમાંથી વીણે છે કાંકરા

(૧૨-૦૩-૧૯૭૪/ મંગળ)0 comments


Leave comment