63 - યુગલગીત / રમેશ પારેખ


યુવતી : બારણું અધૂકડું ખૂલે...
યુવક : હો, તારું રેશમીકૂંપળ રૂપ ઝૂલે...

યુવતી : ડેલીની ઓથે એક ઊગી’તી ગંધ
એને વાયરાએ આવીને ઘેરી લીધી છે

યુવક : મારી આંખોય હવે મારી ન રહી
જાણે બીજાની આંખો મેં પ્હેરી લીધી છે

યુવતી : આખી ડાળ લચી પડી એક ફૂલે

યુવક : હો, તારું રેશમી કૂંપળ રૂપ ઝૂલે...

યુવક : તારી પગથારે મારો અટક્યો છે પંથ
અને અટક્યો છું હું તારી ટગરટગરમાં

યુવતી : અદલબદલ થઈ ગયાં હું ને ગુલમ્હોર
ચાર આંખોની સામસામી અવરજવરમાં

યુવક : મારે કહેવું’તું એ જ તેં કહ્યું, લે...
હો, તારું રેશમીકૂંપળ રૂપ ઝૂલે...

(૧૯-૦૬-૧૯૭૫ / ગુરુ)0 comments


Leave comment