65 - દખણાદા વાયરામાં છાંયડી / રમેશ પારેખ


દખણાદા વાયરામાં, હંઅ, કે ઝાડવાની છાંયડીઓ ઘેલી ઘેલી થઈ ગઈ

ડાળીઓને લીલોછમ ધ્રાસકો કે અરે,
કોણ ઝૂલે છે છાંયડી કે અમે
આભમાંથી છટકીને આખ્ખુંયે ઝાડ
ઠેઠ પોતાના પાંદડામાં ભમે
પાંદડાંથી જુદી, ઊંચી ડાળીઓથી જુદી, જઈ ધોધમાર કૂદી,
જઈ ધોધમાર કૂદી, અને હેલી હેલી થઈ ગઈ

તુલસીક્યારામાં કોઈ દીવો પેટાવે
એમ છાંયડીએ છાંયો પેટાવ્યો
એમ છાંયડીએ જોયું કે –
વાયરો તો ઝૂલવાની ફાંટ ભરી લાવ્યો
અશું ઝૂલી, કશું ઝૂલી, ધીમું ઝૂલી, લીલું ઝૂલી, વાયરામાં રોળાઈ,
વાયરામાં રોળાઈ મેલી મેલી થઈ ગઈ

(૩૦-૦૪-૧૯૭૪ / મંગળ)0 comments


Leave comment