66 - જોશ જોવરાવાજો રે લોલ / રમેશ પારેખ


તમે રે વાવ્યાં તે ઝૂલચાકળાતોરણમાંથી
ઝર ઝર ખરી જાય ઝાડવાં હો જી,
આજ રે કહો તો વેલ્યું આજ રે જોડાવું
તમે આવો તો રોપાવું રાણી, માંડવા હો જી.
આવો રે ઘરેણાં રણવાસનાં, આવે તો આપું
તમને ઉતારા ખાલી છાતીએ હો જી.
લોચનની દીવડીએ અજવાળું વાય તોય
ઢળતી રે સાંજ પરભાતિયે હો જી.

કઈ પેર આવું મારાં ચરણો બંધાયાં
કિનખાબી કિનખાબી દોરીએ રે લોલ,
ગાંઠ પછી ગાંઠ રાણા, વળતી રે જાય અને
ગલગોટા જેમ અમે મ્હોરીએ રે લોલ;
જળ રે વિનાની જેવું માછલી બળે ને એવાં
છાંયડી વિનાનાં અમે બળતાં રે લોલ;
લીમડાની લીલીછમ ઘેઘૂર પરબ તોય
ખોબો છાંયડાય નો’તા મળતા રે લોલ,

પાદર ગળાવું રૂડા દરિયાની જોડય,
તમે આવો તો રોપાવું છાંયા વનના હો જી.
પવનની ડાળ દેશું પોઢણાં ને ધીમા
ધીમા વાવલિયા ઢોળશું લોચનના હો જી.
સાત સાત દરિયાઉં ભીતર ઝળૂંબે એના
ઢોલ જેવા ભણકારા વાગતા રે લોલ.
નિંદરને બ્હાને અમે પાંપણની હેઠ રાણા,
ભીનુંછમ ભીનુંછમ જાગતાં રે લોલ.
દરિયા તો હોય રે દોરંગા મારાં રાજવણ,
ઘૂઘવે ઘડી તો ઘટતા હો જી,
એકરંગ હું ને મારા ઓળઘોળ ગોખ
રાતદિવસ તમારું નામ રટતા હો જી.

નામ તો રટાવ્યાં રટે પોપટા રાણાજી,
કાંઈ એકરંગ જોગી-જોગટા રે લોલ,
સવળી ચોપાટ કેરી માંડણી કરીને રાણા,
અવળા ન હોય આવાં આકરાં, ગોરંદે
ફૂલલોચનપથારી કરું કેડીએ હો જી.
ઓણ સાલ આંબા મ્હોર્યા લથબથ સાખ,
તમે આવો તો સંગાથ આંબા વેડીએ હો જી.

રૂસણાં શે તમથી લેવાય હો રાણાજી,
અમે લીલાછમ ઝાડવાને સમણે રે લોલ,
ટેરવડે મોતી તમે રોપિયું તે મખમલ
જીવમાં ઊગે છે ડાબે-જમણે રે લોલ;
ગઢ રે ભરાય એવું નમણું મોતીડું,
વેલવેલડી ઝાઝેરાં હો જોવડાવજો રે લોલ,
વેલ્યું રે વળાવો એવાં કહેણ ક્યેં આવશે-ના
જોશી કને જોશ જોવરાવાજો રે લોલ.

(૨૭-૦૬-૧૯૭૦ / શનિ)0 comments


Leave comment