67 - દરિયું–દરિયું તે વળી કેવડું ? / રમેશ પારેખ


દરિયો તો ચપટીમાં માપી લેવાય
અરે, દરિયું–દરિયું તે વળી કેવડું ?
એક પાણીની લંબાઈ જેવડું...

અરે, મારા અધ્ધધધ ગામમાં પડી છે એવી દરિયા કરતાંય રાત લાંબી,
સોળ સોળ મોસમથી તરવા પડી છું છતાં પાણી લગીય નથી આંબી;
એમાં ઉમેરો બે લોચનની વાત અને ફાગણનું પૂર ગણો બેવડું
દરિયું–દરિયું તે વળી કેવડું ?

નીરખો તો પ્હોળું, ને હલ્લેસાં મારીએ તો પાણી થઈ જાય સાવ ટૂંકુ,
પાસેનું હોય એ પરાયું દેખાય, અહીં અંધારું એટલું બળુકું
સૂરજમાં ત્રાટક્યો ઉજાસનો દુકાળ, શૂળ એવડું ગણો તો હવે એવડું
દરિયું–દરિયું તે વળી કેવડું ?

(૦૫-૦૯-૧૯૭૨ / મંગળ)0 comments


Leave comment