68 - છલક સરોવર ફાટ્યાં... / રમેશ પારેખ


છલક સરોવર ફાટ્યાં તે હું ભીના થયાનો વાંક, હવે હું શું બોલું ?
દેશવટાના જળમાં તરતી કમળકળી હું રાંક, હવે હું શું બોલું ?

કોઈ વારની પવનદેશની અણસમજુ વણજારી
વાંક પછીનાં જંગલ જંગલ તૂટી પડું કઠિયારી
ખરી ખરીને ખરતાં લાગ્યો ઝાડ સટોસટ થાક, હવે હું શું બોલું ?

સૂરજ સૂરજ કાળોડમરક, ઝળહળ ઝળહળ સણકા
વીણું વીણું ને વેરણછેરણ દડી જઉં છું પણ કાં ?
અડધું પડધુ અવાવરું ને અડધું પડધુ ક્યાંક, હવે હું શું બોલું ?

સોળ કળાએ હારી બેઠી હું મારું અક્ષત
સાવ કુંવારા રૂંવેરૂંવામાં ચડે કારમું સત
સળગી જઉં છું પાદરમાં ખડકીને ચંદણહાક, હવે હું શું બોલું ?
દેશવટાના જળમાં તરતી કમળકળી હું રાંક, હવે હું શું બોલું ?

(૨૮-૧૧-૧૯૭૧ / રવિ)0 comments


Leave comment