69 - ચિરકુંવરીનું ગીત / રમેશ પારેખ


મારી આંખ્યુંના દરવાજે કોઈ ઊભો, કોઈ ઊભો રે...
હાલો મારી હાથણી કળશ તમે ઢોળો રે

ઢૂંકડી આ વેળ રે મોંસૂઝણાની વેળ
મારા ગઢનાં કમાડ ઝટ ખૂલજો
ધૂળમાં તરે એનાં ચરણકમળ
મારી ધૂળનાંય પાણીલગાં મૂલ, જો
કંકુ ને કેસરમાં મલિર મારું ઘોળો રે...

નોબતું વજાડો હવે દરવાજા ખૂલશે
ને બે’ક વેણ બોલશું ન બોલશું
એટલામાં આપમેળે ખૂલશે પતાળ
પછી આયખાને આંગળીએ તોળશું
ઝાંઝરથી વેણી લગી લેશું અંઘોળો રે...

(વળી વળી પોંખું એને મોતીશગા થાળથી
કે આગળા ખોલાવો મારી વાટના)

(દરવાજે મણ મણ તાળાં રે તોતિંગ
અને રાફડા બંધાણા તાળે કાટના)
(કૂંચી નથી, કૂંચી નથી રે ખોવાણી કોઈ ખોળો રે...)
હાલો મારી હાથણી, કળશ તમે ઢોળો રે...

(૧૬-૦૯-૧૯૭૨ / શનિ)0 comments


Leave comment