72 - ફૂલના થાપા / રમેશ પારેખ


તારી શરમબાવરી આંખે મહોર્યાં અલપઝલપનાં ફૂલ
કે અમને ફૂલના થાપા વાગ્યા.

ફૂલમાં ઝૂલે તલાવડી ને તલાવડીમાં મીન,
મીનકેડીએ ઊભું મારું નીરખવું લયલીન;
ગામથી પ્હોળી ગલી, ગલીથી ઘરનું ફળિયું પ્હોળું,
ફરી ઘેર આવ્યાનો અવસર કીરકબૂતર ટોળું :

અમે અલપઝલપમાં ઘેરાતી મધરાત સમું કૈં અઢળક અઢળક
આંખ મીંચેલું જાગ્યા – તારી.

તું કંકુની લોળ્ય અને તું જીવ જેટલી પાસે,
તું સાચુકલી ભાત પડી આ જતા આવતા શ્વાસે,
સાત જનમનો થાક તરીને માંડ કિનારા જોયા,
એ જ કારણે સખી, અમે આ ડૂસકે ડૂસકે રોયા :

સખી, સાવ એકલીભીંત અમારી છાતીને કૈં લૂમખઝૂમખ
પાન ફૂટવા લાગ્યાં – તારી.

(૨૪-૦૪-૧૯૭૦ – શુક્ર)0 comments


Leave comment